
મોંઘવારીની સીધી અસર રસોડા પર.શાકભાજી-કરિયાણું મોંઘું થતાં સામાન્ય નાગરિકોની કમર તુટી!.ઇંધણના ભાવવધારાને કારણે કરિયાણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો જાેવા મળ્યો.સુરત શહેરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર એટલો મોટો બોજ નાખ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના બહાને ઇંધણના ભાવમાં જે ઝીંકાયેલો સતત વધારો છે, તેણે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને આંબતા ભાવોને કારણે માલવાહક વાહનોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો અને અસહ્ય ઉછાળો આવ્યો છે. સત્તાવાર માહિતી મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો ૧૦%નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે, જેની સીધી અને ઘાતક અસર કરિયાણા સહિતની આપણી રોજિંદી જીવનજરૂરી વસ્તુઓ પર પડી રહી છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સુરત શહેરની કરિયાણાની દુકાનોમાં આગ લાગી હોય તેવા ભાવો જાેવા મળી રહ્યા છે. અનાજ, કઠોળ, તેલ, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ જેવી જીવનરક્ષક વસ્તુઓ ખરીદવી હવે મધ્યમ વર્ગ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. અનાજ સહિતની દરેક બેઝિક વસ્તુઓમાં સરેરાશ ૨%નો ભાવવધારો ઝીંકી દેવાયો છે.
સ્થાનિક વેપારીઓ પણ લાચાર થઈને કહી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ ભાડામાં ૧૦% થી ૧૫%નો તોતિંગ વધારો થયો છે. પરિણામે, ચોખા, ઘઉં અને ખાંડ જેવી અતિ આવશ્યક વસ્તુઓના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે. સિંગતેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ જાેરદાર ઉછાળો આવ્યો છે, જેણે રસોડાનો સ્વાદ બગાડી નાખ્યો છે.
આસમાને આંબતા વિવિધ ચીજવસ્તુઓના ભાવ:
ડ્રાયફ્રૂટ્સ (બદામ, અખરોટ, અંજીર): નિકાસ ઘટવાના બહાને પ્રતિ કિલો રૂ.૫૦ થી રૂ.૧૦૦નો આકરો વધારો.
કઠોળ: સામાન્ય પરિવારોના પ્રોટીન યુક્ત ખોરાક એવા કઠોળમાં પણ પ્રતિ કિલો સરેરાશ રૂ.૫ થી રૂ.૭નો વધારો.
ખાંડ: માત્ર છેલ્લા એક જ અઠવાડિયામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ.૩ નો ચોંકાવનારો વધારો.
“ઇંધણ અને યુદ્ધના બહાને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારીને કરિયાણાના ભાવ જે રીતે વધારાયા છે, તેણે અમારા આખા મહિનાનું ગણિત બગાડી નાખ્યું છે. કમાણી એની એ જ છે અને ખર્ચ બેવડાઈ રહ્યો છે!” આ અસહ્ય ભાવવધારા સામે સુરતની જનતામાં ભારે રોષ અને આક્રોશ જાેવા મળી રહ્યો છે. જાેકે કેટલાક સુખી-સંપન્ન લોકોને આ વૈશ્વિક પરિસ્થિતિ વ્યાજબી લાગી શકે છે, પરંતુ ગ્રાહકોનો મોટો વર્ગ,ખાસ કરીને ગૃહિણીઓ આ મોંઘવારીના રાક્ષસથી ત્રાસી ગઈ છે. પેટ્રોલ-ડીઝલની લૂંટે કરિયાણાની બજારને પણ બગાડી નાખી છે, જેના કારણે લાખો પરિવારોના માસિક બજેટના લીરેલીરા ઉડી ગયા છે. કરિયાણાની દુકાને જતા સામાન્ય માણસના ચહેરા પર આજે ચિંતા અને લાચારી સ્પષ્ટ દેખાય છે. સવાલ એ થાય છે કે સામાન્ય માણસ આખરે ક્યાં સુધી આ લૂંટ સહન કરશેરૂ. પેટ્રોલ-ડીઝલના નામે થઈ રહેલો આ ભાવવધારો સામાન્ય જનતાના લોહી-પરસેવાની કમાણી પર સીધો ત્રાટક્યો છે અને લોકોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે.





