
સુરતમાં મોંઘવારીનો ડામ દાળના ભાવમાં વધારો થતાં મધ્યમવર્ગ પિસાયો તુવેરથી લઈને મગ-ચણાની દાળમાં પ્રતિ કિલો ૧૫થી ૩૦નો તોતિંગ ઉછાળાએ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સુરત શહેરમાં પેટ્રોલ-ડીઝલ, શાકભાજી અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાથી ત્રસ્ત સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક પ્રહાર થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક કરિયાણા બજારમાં તુવેર, મગ, ચણા અને અડદ સહિતની તમામ દાળના ભાવમાં ભડકો થતાં મધ્યમવર્ગીય પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, સુરતમાં મોટા પ્રમાણમાં દાળનો જથ્થો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે છે. પરંતુ ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ટ્રક ભાડામાં હજારો રૂપિયાનો વધારો થયો છે. સાથોસાથ બહારના રાજ્યોમાંથી આવક ઘટતાં અને જથ્થાબંધ બજારમાં તેજી આવવાને કારણે રિટેલ માર્કેટમાં આ આકરી સ્થિતિ સર્જાઈ છે. હાલ બજારમાં તુવેર દાળનો ભાવ પ્રતિ કિલો ૧૮૦થી ૧૯૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે અન્ય દાળમાં પણ ૧૦થી ૧૫નો વધારો ઝીંકાયો છે. આગામી દિવસોમાં જાે સપ્લાય સામાન્ય નહીં થાય તો ભાવ હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે ગ્રાહકોમાં ભય વ્યાપતાં વધુ સ્ટોક ખરીદવાની વૃત્તિ પણ વધી છે.આ આકાશી ભાવવધારાને પગલે ગૃહિણીઓમાં ભારે ચિંતા જાેવા મળી રહી છે. અડાજણ વિસ્તારની ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગેસ, તેલ, શાકભાજી અને દૂધ બાદ હવે રોજિંદા ભોજનનો મુખ્ય હિસ્સો ગણાતી દાળ પણ મોંઘી થતાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. બીજી તરફ, આ તેજીની સીધી અસર સુરતના પ્રખ્યાત હોટલ અને ફૂડ બિઝનેસ પર પણ પડી છે. ખાસ કરીને નાના રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસ સંચાલકો માટે કાચા માલનો ખર્ચ ખૂબ વધી ગયો છે, પરંતુ ગ્રાહકો પર સીધો બોજ નાખી શકાતો ન હોવાથી તેઓ મૂંઝવણમાં મુકાયા છે.





