
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ એ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. આ હોસ્પિટલમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા પાડોશી રાજયના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. સુરત શહેરમાં પુરા દેશના લોકો વસવાટ કરે છે. અને આ રીતે તેઓની અને તેમના સંબંધીઓને સારવારની જરૂર પડે તો તેઓ સુરત ની હોસ્પિટલમાં સંપર્ક કરે છે. સિવિલ હોસ્પિટલમાં અનેક નાના-મોટા ઓપરેશનો થાય છે.પરંતુ આ હોસ્પિટલને ઘણા વર્ષો થવા છતાં હોસ્પિટલમાં હ્રદય રોગની સારવાર, કિડની, લિવર,મગજ જેવા રોગોની સારવાર ઉપલ્બધ કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. કરોડો રૂપિયા ના ખર્ચે કિડની હોસ્પિટલ બિલ્ડીંગ બાંધવામાં આવ્યું છે. પરંતુ સ્ટાફ અને સાધન સામગ્રીના અછતના કારણે બિલ્ડીંગ ધૂળ ખાય રહ્યું છે. અને હોસ્પિટલમાં આવતા દર્દીઓએ હ્રદય,કિડની,લિવર, મગજની સારવાર માટે દર્દીઓએ અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડે છે. પૈસા પાત્ર દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.જ્યારે ગરીબ પરિવારના દર્દીઓને મરવાનોવારો આવે છે. જો સિવિલ હોસ્પિટલ સુરત અને મેડિકલ કોલેજ ખાતે હ્રદય રોગની સારવાર, કિડની, લિવર,મગજ જેવા રોગોની સારવાર ઉપલ્બધ કરાવવામાં આવે તો મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાથીઓને પણ તેનો લાભ મળી શકે. આ દિશામાં સિવિલ હોસ્પિટલ મેડીકલ કોલેજ સુરત અને સ્થાનિક રાજકારણીઓએ વિચારવું જોઈએ. સુરત શહેરમાં ત્રણ સાંસદ સભ્ય અને ૧૨ જેટલા ધારાસભ્યો સિવિલ હોસ્પિટલને આવી ઉચ્ચ સારવાર અપાવવા વિચારવું જોઈએ.
ગુજરાતના આરોગ્ય મંત્રી યોગાનુયોગ સુરતના જ છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના નામે ગરીબ દર્દીઓને રઝળવું પડે એનાથી મોટી કમનશીબી શું હોઈ શકે? આવી ન્યુ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે બાયપાસ સર્જરીના સાધનો નો અભાવ, નવી આધુનિક મશીનરીનો અભાવ અને સાથે સાથે ડોક્ટરોની અછતને કારણે ગામડાના છેવાડાના આદિવાસી, દલિત સહિત કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર ગરીબ દર્દીઓ જ્યારે આટલે દૂરથી આવતા હોય અને તેઓને સારવાર માટેની દવાઓ બહારથી ખરીદવી પડે તેનાથી મોટી કઈ કમનશીબી હોય શકે? સરકાર દવા અને સાધન સામગ્રી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે છતાં દર્દીઓ માટે સ્ટેચર કે વ્હીલચેર સારી કન્ડિશનમાં મળતા નથી. સ્ટેચર પણ દર્દીઓના સગાઓએ જાતે ખેંચીને દર્દીને વોર્ડમાં લઈ જવો
પડતો હોય એ કેટલી શરમજનક બાબત કહેવાય. દર્દીઓને આપવામાં આવતા ગાદલાં કે ચાદરો પણ દુર્ગંધ મારતી હોય છે. દર્દીઓના જમવાના સાધનો પણ કબાટમાં પૂરી રાખવામા આવે છે. આમ ટૂંકમાં હોસ્પિટલના વહીવટ માટે સારા અધિકારીઓ અને કર્મચારીઓની જરૂરિયાતની અછત છે. આરોગ્યમંત્રી માત્ર વર્ષમાં એકવાર આવી એક અધિકારીને બદલી કાઢે તેનાથી વહીવટ સુધરી જવાનો નથી.
એક બાજુ પોતાના મળતિયાઓને નવી બિલ્ડીંગો બનાવવાના કોન્ટ્રાક્ટ આપી કોન્ટ્રાકટરોના તરભાણા ભરાતા હોય ત્યારે એ જ ઊભી થયેલી બિલ્ડીંગો ડોક્ટરો અને મશીનરીઓની અભાવે ભવિષ્યમાં ખંડેર બનીને ભ્રષ્ટાચારનું પ્રતિક બનીને ઊભી રહેતી હોય એવી બિલ્ડીંગો શું કામની?





