
મોંઘા ઈંધણ, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાના પડકારને પહોંચી વળવા એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સ સ્થાનિક ફ્લાઈટ્સમાં ૨૨ ટકા સુધી કાપ મુકશે ઈન્ડિગોએ પણ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૨-૧૫ ટકાનો કાપ મુકવાની યોજના બનાવી છે
પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે હોર્મુઝની ખાડી પરથી ઓઈલના પરિવહન પર લદાયેલાં નિયંત્રણોએ ભારતીય એરલાઈન્સ ઉદ્યોગની ઉંઘ ઉડાડી દીધી છે. વૈશ્વિક બજારમાં ઓઈલના ભાવમાં થઈ રહેલાં ઉછાળા અને પ્રવાસીઓની સંખ્યામાં થયેલાં ઘટાડાને પગલે એર ઈન્ડિયા, ઈન્ડિગો તથા એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિતની કેટલીક ભારતીય વિમાની કંપનીઓ આગામી મહિનાઓમાં સ્થાનિક ફ્લાઈટ્સમાં ૧૦થી ૨૨ ટકા સુધીનો કાપ મુકશે.અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયાં બાદ ભારતીય એરલાઈન્સ સામે મોંઘા ઈંધણ તથા એરસ્પેસ પર નિયંત્રણ સહિતના પડકારો ઉભાં થતાં તેમના ખર્ચાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.આ બધાં પડકારોને પહોંચી વળવા એર ઈન્ડિયા, ઈન્ડિગો તથા એર ઈન્ડિયા એક્સપ્રેસે આગામી મહિનાઓ દરમિયાન સ્થાનિક ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કરવાનો ર્નિણય કર્યાે છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, એર ઈન્ડિયા જુન અને જુલાઈ દરમિયાન તેની સ્થાનિક ફ્લાઈટ્સની સંખ્યામાં ૨૦-૨૨ ટકા જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ જૂન મહિનાથી ૧૦ ટકાનો કાપ મુકશે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ્સમાં કરાયેલો આ ઘટાડો, સંબંધિત મહિનાઓ માટેના સમર શિડ્યુલમાં આયોજિત સેવાઓની તુલનામાં કરવામાં આવ્યો છે.ઈન્ડિગોએ પણ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૨-૧૫ ટકાનો કાપ મુકવાની યોજના બનાવી છે. તમામ એરલાઈન્સના જણાવ્યાં અનુસાર, સ્થાનિક ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કરવા પાછળ મુખ્યત્વે ઈંધણની ઊંચી કિંમત તથા પ્રવાસીઓની સંખ્યામાં થયેલો ઘટાડો જવાબદાર છે. એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલાં એક નિવેદનમાં જણાવ્યાં અનુસાર, જુન અને ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન પસંદગીની આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અગાઉ કરેલી જાહેરાત અનુસાર, અમે કામચલાઉ ધોરણે સમાન સમયગાળા માટે કેટલાંક સ્થાનિક રૂટ્સ પર સેવાઓમાં કાપ મુક્યો છે.એર ઈન્ડિયા સપ્તાહમાં ૪,૪૦૦ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે, જેમાંથી ૩,૬૦૦ સ્થાનિક અને ૮૦૦ આંતરરાષ્ટ્રીય છે. જાે એરલાઈન સ્થાનિક ફ્લાઈટ્સમાં ૨૨ ટકાનો ઘટાડો કરે તો તેની સાપ્તાહિક ફ્લાઈટ્સમાં ૭૯૦નો ઘટાડો થશે. જ્યારે, એર ઈન્ડિયા એક્સપ્રેસ સપ્તાહમાં ૩,૦૦૦ ફ્લાઈટ્સનું સંચાલન કરે છે, જેમાંથી આશરે ૨,૪૦૦ જેટલી સ્થાનિક છે. આમ જાે, એરલાઈન ફ્લાઈટ્સમાં ૧૦ ટકા ઘટાડો કરે તો સપ્તાહમાં તેની સ્થાનિક ફ્લાઈટ્સની સંખ્યામાં ૨૪૦નો ઘટાડો થશે. તેવી જ રીતે ઈન્ડિગો સ્થાનિક ૧૩,૦૦૦ સહિત સપ્તાહમાં કુલ ૧૫,૪૦૦ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.





