
અગ્રીમ સંરક્ષણ વિશ્લેષણ સંસ્થાની ગંભીર ચેતવણી.તાઈવાન અંગે યુ.એસ. ચીન સંઘર્ષ પરમાણુ યુદ્ધ નોતરી શકે.લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ જણાવે છે કે વિશ્વ નવી પરમાણુ શસ્ત્ર સ્પર્ધાની અણીએ આવ્યું છે તેમાં એશિયા પેસિફિક કેન્દ્રમાં છે. તાઈવાન અંગે અમેરિકા ચીન વચ્ચેનો સંઘર્ષ જાે તીવ્ર બનશે તો બંને વચ્ચે પરમાણુ યુદ્ધ પણ થઇ શકે. બંને દેશોની સેનાકીય વ્યવસ્થા તે માટે તૈયારીમાં છે. બંને દેશો પરસ્પરની સેના ઉપર અને તેમની યાતાયાત વ્યવસ્થા તેમજ સંદેશા વ્યવહાર ઉપર પણ આક્રમણ કરવા પૂરી તૈયારીમાં છે તેમ લંડન સ્થિત સંરક્ષણ વિશ્લેષણ સંસ્થાએ ગુરૂવારે ચેતવણી ઉચ્ચારી છે.આ સપ્તાહના અંતે સિંગાપુરમાં યોજાનારી એશિયાની સૌથી મોટી સંરક્ષણ પરિષદ પૂર્વે લંડન સ્થિત અગ્રીમ સંરક્ષણ વિશ્લેષણ સંસ્થા, ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝે જણાવ્યું હતું કે વિશ્વ અત્યારે નવી પરમાણુ શસ્ત્ર સ્પર્ધાની અણીએ પહોંચ્યું છે જેમાં એશિયા પેસિફિક કેન્દ્ર સ્થાને છે.આ સંસ્થાએ તેનાં આકલનમાં આગળ જણાવ્યું હતું કે પ્રાદેશિક દેશો પોતાનો પરમાણુ શસ્ત્ર ભંડાર વધારી રહ્યા છે તેમને પોતાના રણનીતિક હેતુઓ છે. જેઓ પાસે પરમાણુ શસ્ત્રો નથી, તેઓ લાંબા અંતરનાં પરંપરાગત મિસાઇલ્સની સ્ટ્રાઇક કેપેબિલીટીઝ વધારી રહ્યા છે. આ બંને પરિસ્થિતિ વ્યૂહાત્મક સ્થિરતા માટે પડકારરૂપ છે.આઈ.આઈ.એસ.એસ.નાં આ વિધાનો અંગે અમેરિકા કે ચીન કોઈ તરફ કોઈ પ્રત્યાઘાત હજી સુધી આપવામાં આવ્યા નથી. આઈઆઈએસએસ શાંગ્રી લા ડાયલોગ યોજવાની છે તે સમયે તાઈવાન ઇરાન યુદ્ધ અને આ વિસ્તારમાં અમેરિકાની પ્રતિબદ્ધતા અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા પરિસંવાદમાં કેન્દ્ર સ્થાને રહેશે. તે નિશ્ચિત છે.ઉલ્લેખનીય છે કે આ શાંગ્રીલા ડાયલોગ શરૂ થાય તે પહેલાં તો મંત્રીઓ જનરલ્સ ઇન્ટેલિજન્સ ચીફ્સ ડીપ્લોમેટસ, એનેલિસ્ટ તથા વેપન મેકર્સ વચ્ચે મેની ૨૯-૩૧થી બિનસત્તાવાર મંત્રણાઓ તો શરૂ થઇ જ ગઇ છે.ચીનના પ્રમુખ શી જિનપિંગ અને અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બૈજિંગમાં આ મહિનાના પ્રારંભે યોજાયેલી મંત્રણા પછી તાઈવાનમાં ચિંતા પ્રસરી રહી છે. ચીન તાઈવાનને પોતાનું ગણે છે. તાઈવાન પોતાને સ્વતંત્ર ગણે છે. તાઈવાનને ડરાવવા ચીન યુદ્ધ વિમાનો તેના પરથી ઉડાડે છે. તેની ફરતે નૌસેના ઘેરો નાખે છે.બીજી તરફ અમેરિકા તાઈવાનને શસ્ત્રો આપી પ્રબળ બનાવી રહ્યું છે. આ સંરક્ષણ વિશ્લેષણ સંસ્થા આ પરિસ્થિતિ ઉપરથી જ તારણ આપે છે કે ચીન અમેરિકા સંઘર્ષ તાઈવાન અંગે વધશે તો સંભવત: તે પરમાણુ યુદ્ધ પણ નોતરી શકે.





