
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરતના વેડ દરવાજા પાસે વર્ષો જૂની મુસ્લિમ વિસ્તારની વસ્તી ધરાવતી નાસિર નગર નામની ઝુંપડપટ્ટીના ૨૦૦ ઘરોને ચાર દિવસ પહેલા જ કોઈપણ પ્રકારની આગોતરી જાણ કે કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત નોટિસ આપ્યા વગર એકાએક પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જેસીબી મશીન લઈને નાસિર નગર ઝુંપડપટ્ટી પાસે પહોંચીને એકાએક તોડફોડની કામગીરી શરૂ કરતાં ર૦૦ ઘરોના હજાર ઉપરાંત રહીશોમાં ગભરાટ ફેલાવવાની સાથે સાથે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે નાસિર નગરમાં એકાએક કરાયેલા આ ડિમોલિશન પાછળ ઊભા થયેલા જે પેચીદા સવાલો છે એ સવાલો આજે પણ અનુત્તર રહ્યા છે. જેનો ચાર-ચાર દિવસથી કોઈ પણ પ્રકારનો જવાબ આજ સુધી ભોગ બનનારાઓને મળ્યો નથી કે નથી એમને ન્યાય અપાવવા નીકળેલા નેતાઓને.
ત્યારે જે સવાલો ઊભા થયા છે એવા આ સવાલોમાં જો SMC એ આ ડિમોલિશન નથી કરાવ્યુ તો પછી કોના ઇશારે આ ડિમોલેશન કરાયું? શું કોઈ બિલ્ડરને શાસક પક્ષના કોઈ મોટા માથા સાથે ઘરેબો હોવાને લઈને SMC અને પોલીસ પર દબાણ લવાઈને આ ડિમોલિશન કરાયું છે?
આ ડિમોલિશન કરાવવા માટે પોલીસ પ્રોટેક્શન ની માંગણી કરી કોણે? SMC એ પછી અન્ય કોઈએ? એનો કોઈ જવાબ અપાતો નથી. ઉપરાંત SMCના અધિકારીઓ પણ કહે છે કે SMC એ કામ નથી કર્યું. તો પછી આ ઘરો સામા ચોમાસે તોડાવનાર માસ્ટર માઈન્ડ કોણ?
આવા તો અનેક અનુત્તર રહેલા સવાલોના જવાબો મેળવવા સાથે સામા ચોમાસે ઘરવાળાઓને બેઘર કરનારાઓની સાન ઠેકાણે લાવવા અને સદર ડિમોલિશનનો ભોગ બનેલાઓ માટે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર આ બાબતે ભોગ બનેલા નાસિર નગર વાસીઓને ન્યાય અપાવવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની PIL કરીને સદર ડિમોલિશનના પડદા પાછળના ખેલાડીને ખુલ્લો પાડીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.





