
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે વાતો સ્વદેશીની કરી વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાના છાશવારે ગતકડાઓ ઊભા કરી ખોખલો દેશ પ્રેમ તો બતાવીએ છીએ પરંતુ જ્યારે સાચા અર્થમાં દેશપ્રેમની પરીક્ષાનો સમય આવે છે ત્યારે આ ઢોંગી દેશપ્રેમીઓ સદંતર નાપાસ થતા હોય છે. આ વાત એટલા માટે અહીં યાદ કરવી પડે છે કે વિદેશોમાં પણ આપણી જેમ પુલો તૂટી પડે છે, મોલમાં આગ લાગે છે અને બોટ ઊંધી વળી જતા બાળકોના મોત પણ થાય છે. પણ ત્યાંના નેતાઓ અને સત્તાધારીઓ જેવી ચારિત્ર્યની તાકાત આપણા સાહેબ લોકો દેખાડી શકતા નથી.
જ્યારે ભારતમાં કરૂણ ઘટનાઓ બને ત્યારે આપણે થોડા દિવસ હાય-હાય કરી લઈને ભૂલી જઈએ છીએ. નથી કોઈના રાજીનામાં પડતા, નથી સત્તા જતી, નથી કડક ફોલો-અપ થતા ભારતમાં પણ નૈતિકતાના ધોરણે પદત્યાગ કરવાની ઘટનાઓ બનતી હતી પણ એ ભૂતકાળમાં. જ્યારે આપણે સરળતાથી દુર્ઘટનાઓ અને તેના આરોપીઓને ભૂલી જઈએ છીએ અને આગળ વધી જઈએ છીએ. એક રાષ્ટ્ર તરીકે, એક પ્રજા તરીકે શું આ જ આપણું કેરેક્ટર છે? જવાબ આપણે સૌએ આપવાનો છે.
આમ જ્યારે જ્યારે આવી ગંભીર ઘટનાઓ બને છે અને એમાં લોકો મૃત્યુને આધીન થાય છે ત્યારે ત્યારે કડક તપાસના આદેશો અપાય છે. પરંતુ કડક તપાસ એટલે શું? ભરતી પરીક્ષાઓના પેપરની માફક આવી અવાર-નવાર અપાતી કડક તપાસના પણ હવે સમિતિઓ દ્વારા કડક તપાસ કરાવવી પડે એવો સમય આવ્યો છે. કારણ કે કડક તપાસ પર અંતે તો ઠંડુ પાણી જ રેડવાનું છે.
અહીં વિદેશની વાત કરીએ 16 એપ્રિલ 2014 ના એ દિવસે દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં આવેલી ડેન્વન હાઈસ્કૂલના 16-17 વર્ષના ત્રણ તરુણ-તરૂણીઓ પિકનિક માટે જેસુ આઇલેન્ડ જઈ રહ્યા છે.કલબલ કલબલ કરતા 300 કરતા વધારે સ્ટુડન્ટ્સ એમના શિક્ષકો સાથે એમવી સોલ નામની ફેરી એટલે કે બોટ પર સવાર થાય છે. ખુશનુમા માહોલ છે, મસ્તી મજાક ચાલી રહી છે. બોટ (ફેરી) ઉપડે છે સવારે 8:49 કલાકે બોટ શાર્પ ટર્ન લે છે અને થોડી જ મિનિટોમાં એક તરફ નમી જઈને ડૂબવા લાગે છે. ચીસાચીસ થઈ જાય છે. અને કેબિનોમાં જ રહેવાની અપાયેલી સૂચનાને કારણે બાળકોને છટકવાનો મોકો નહીં મળતા બોટમાં 304 લોકો જેમાંથી 250 વિદ્યાર્થીઓ જ હતા. એ બોટ દરિયામાં ગરકાવ થઈ જતા દક્ષિણ કોરિયામાં હાહાકાર મચી જાય છે.
આ બધાનું શું પરિણામ આવ્યું? બોટને ડૂબતી મૂકીને નાસી ગયેલા નાલાયક કેપ્ટનને 36 વર્ષની જેલવાસની સજા થઈ, જે પછી આજીવન કારાવાસમાં ફેરવવામાં આવી હતી. ક્રુ ના અન્ય 14 સભ્યોને પણ પાંચ થી 30 વર્ષ સુધીની જેલ થઈ. બોટ ઓપરેટર કરતી શિપિંગ કંપનીનો માલિક ફરાર થઈને ગયો અને થોડા દિવસો પછી એની સડી ગયેલી લાશ મળી આવી. સમગ્ર સાઉથ કોરિઅન કોસ્ટગાર્ડ ને બરખાસ્ત કરી નાંખવામાં આવ્યું. અને મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સેફટી એન્ડ સિક્યુરિટી નામના એક આખે આખા નવા મંત્રાલયની રચના કરવામાં આવી.
આખરે બોટ દુર્ઘટનાનું રાજકીય સ્તરે શું પરિણામ આવ્યું? દક્ષિણ કોરિયાના પ્રાઇમ મિનિસ્ટર જુંગ હોંગ- વોને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને દુર્ઘટના ના 11 દિવસની અંદર પોતાનું રાજીનામું ધરી દીધું. દક્ષિણ કોરિયામાં અલબત્ત સૌથી વધારે સત્તા પ્રેસિડન્ટ પાસે હોય છે. તત્કાલીન પ્રેસિડન્ટ પાર્ક ગેઉન-ઘેની પોલિટિકલ કરિયર માટે આ બોટ દુર્ઘટના ઘાતક સાબિત થઈ. એણે પોતાની ખુરશી ન છોડી, પણ પ્રજાની નજરમાંથી એ ઉતરી ચૂક્યા હતા. જેમ આપણા નફ્ફત શાસકો પ્રજાની નજર માંથી ઉતરી ગયા છે એમ. છતાં આપણા શાસકો સત્તા છોડતા નથી. મેરા ભારત મહાન.





