
દિલ્હી અગ્નિકાંડમાં રસોઈયા ચોંકાવનારો ખુલાસો રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કર્યાની થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી નેગીએ હોટલની મેન સ્વિચ બંધ કરી દીધી, તેણે ન તો હોટલ સ્ટાફ કે કર્મચારીઓને એલર્ટ કર્યા અને ન તો મહેમાનોને દિલ્હીના માલવીય નગર હોટલ અગ્નિકાંડની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસે હોટલના રસોઈયા (કૂક) કેશવ નેગીની ધરપકડ કરીને તેની આશરે ૬ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નેગીએ પૂછપરછમાં જણાવ્યું કે બુધવારે સવારે રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કર્યાની થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી. સ્ટવમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગ ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આગ અને ધુમાડાની વચ્ચે ગભરાટમાં આવીને નેગીએ હોટલની મુખ્ય ઇલેક્ટ્રિક સપ્લાય (મેન સ્વિચ) બંધ કરી દીધી. તેણે ન તો હોટલ સ્ટાફ કે કર્મચારીઓને એલર્ટ કર્યા અને ન તો મહેમાનોને આગથી બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો, બલ્કે પોતાનો જીવ બચાવીને તે ત્યાંથી ભાગી ગયો.
મુખ્ય ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થવાને કારણે બિલ્ડિંગની ઇલેક્ટ્રોનિક ડોર લોકિંગ સિસ્ટમ ફેલ થઈ ગઈ અને તેણે કામ કરવાનું બંધ કરી દીધું. આ કારણે હોટલમાં રોકાયેલા મહેમાનો રૂમની અંદર જ ફસાઈ ગયા. તપાસકર્તાઓનું માનવું છે કે ઇલેક્ટ્રોનિક લોક સિસ્ટમ નિષ્ક્રિય થવાને કારણે એક્ઝિટ ગેટ (બહાર નીકળવાના દરવાજા) બંધ થઈ ગયા, જેના લીધે ઘણા લોકોના જીવ બચાવી શકાયા નહીં. જાે કેશવ નેગીએ મેન સપ્લાય બંધ કરતા પહેલા હોટલમાં હાજર લોકોને ચેતવ્યા હોત, તો સમય રહેતા બધા બહાર નીકળી ગયા હોત. તો કદાચ એ ૨૧ લોકો પણ બચી ગયા હોત જેમણે જીવ ગુમાવ્યો છે, અને એ ૨૫ લોકો પણ ઈજાગ્રસ્ત ન થયા હોત જેઓ અત્યારે હોસ્પિટલમાં અસહ્ય પીડા ભોગવી રહ્યા છે.
અગ્નિકાંડની પ્રાથમિક ફોરેન્સિક તપાસ મુજબ, ૨૧ માંથી મોટાભાગના લોકોના મોત આગમાં બળી જવાથી નહીં, પરંતુ ગૂંગળામણને કારણે થયા છે. હોટલમાં આગ ઓલવવાના સાધનો (ફાયર એક્સટિંગ્વિશર) પણ ઉપલબ્ધ હતા, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બળેલા વાયરો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, કારણ કે આગ લાગવાનું અન્ય કારણ વીજળીનું ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ પણ હોઈ શકે છે. આ અગ્નિકાંડની તપાસ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ થઈ રહી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વહેલામાં વહેલી તકે તપાસ અહેવાલ માંગ્યો છે, જેથી ૧૨ વિદેશીઓ સહિત ૨૧ લોકોના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરી શકાય.
દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીના હૌઝરાનીમાં આવેલી હોટલ ફ્લરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ (B&B) માં થયેલા આ ભીષણ અગ્નિકાંડના કેસમાં માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. તેની સામે સાપરાધ મનુષ્યવધ (ગેર-ઈરાદાપૂર્વક હત્યા) નો ગુનો નોંધવામાં આવ્યો છે. માલવીય નગર પોલીસ સ્ટેશને હોટલના રસોઈયા કેશવ નેગીની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે હોટલ મેનેજર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જય મિશ્રા હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. પોલીસ લવકેશ બજાજ અને કેશવ નેગીને સામસામે બેસાડીને પૂછપરછ કરશે, જેથી જાણી શકાય કે તેને મેન ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવા માટે લવકેશ બજાજે કહ્યું હતું કે નહીં?





