ડોગ લવર્સની પ્રથમ પસંદગી લેબ્રાડોર અમદાવાદ શહેરમાં ૧૯૭૪૬ પેટ ડોગ અને ૧૮૯ પેટ કેટની નોંધણી થઇ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૧૦૧, પૂર્વ ઝોનમાં ૨૮૫૫, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૬૪૦, દક્ષિણ ઝોનમાં ૨૩૭૨, ઉત્તર ઝોનમાં ૨૦૦૩ અને મધ્ય ઝોનમાં ૭૭૯ ડોગનું રજિસ્ટ્રેશન નોંધાયું શહેરમાં કૂતરાં અને બિલાડી તેમજ વિવિધ પ્રકારનાં પક્ષી પાળનારા પશુ-પક્ષી પ્રેમીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે અને તેમાંય ખાસ કરીને પેટ ડોગ રાખવાનાં વધતાં જતાં ચલણને પગલે રેબીઝ નિયંત્રણ વગેરે કારણોસર પેટ ડોગ અને પેટ કેટનાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયા બાદ શહેરમાં ૧૯૭૫૬ પેટ ડોગ તથા ૧૮૯ પેટ કેટની નોંધણી થઇ ચૂકી છે.મ્યુનિ. સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતાં એચઓડી નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં ર્નિદેશો તથા પ્રાણીઓને લગતાં વિવિધ નિયમો-કાયદા અંતર્ગત શહેરમાં પેટ ડોગ અને પેટ કેટનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યુ છે, તેમાંય ભારતમાં સૌપ્રથમવાર શરૂ કરાયેલું પેટ કેટનાં રજિસ્ટ્રેશન માટે ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં અત્યારસુધીમાં ૧૮૯ પેટ કેટનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. તેમ છતાં સીએનસીડી વિભાગને અમદાવાદમાં પાંચ હજાર કેટનાં રજિસ્ટ્રેશન થવાનો અંદાજ છે. જેમાં સ્થાનિક પ્રજાતિની અને વિદેશી પ્રજાતિની બિલાડીઓ લોકો પાળતાં હોવાનું સામે આવ્યું છે.તેમણે કહ્યું કે, પેટ ડોગ રજિસ્ટ્રેશનને પણ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે અને અત્યાર સુધીમાં જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયું તેમાં લેબ્રાડોર રિટ્રિવર ડોગ સૌથી લોકપ્રિય બ્રિડ હોવાનું જણાયું છે. જ્યારે બીજા નંબરે જર્મન શેફર્ડનો આવે છે. ડોગ રજિસ્ટ્રેશનમાં પશ્ચિમ ઝોન ૪૯૯૬ ડોગ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૧૦૧, પૂર્વ ઝોનમાં ૨૮૫૫, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૬૪૦, દક્ષિણ ઝોનમાં ૨૩૭૨, ઉત્તર ઝોનમાં ૨૦૦૩ અને મધ્ય ઝોનમાં ૭૭૯ ડોગનું રજિસ્ટ્રેશન નોંધાયું છે. વિવિધ ઝોનમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરેનિયન, સાઇબેરિયન હસ્કી, શિત્ઝુ, પગ, ડોબરમેન અને ગોલ્ડન રિટ્રીવર જેવી બ્રીડ વધુ જાેવા મળી છે.મ્યુનિ.નાં સીએનસીડી ખાતામાં પેટ કેટનું રજિસ્ટ્રેશન શરૂ થયુ ંછે તેમાં સૌથી વધુ ૪૪ પેટ કેટ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાઇ છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં ૪૩, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૮, ઉત્તર ઝોનમાં ૧૯, મધ્ય ઝોનમાં ૧૮ અને પૂર્વ ઝોનમાં ૧૭ તથા દક્ષિણ ઝોનમાં ૧૦ પેટ કેટ નોંધાઇ છે. જ્યારે પેટ ડોગમાં ૩૯૩૯ લેબ્રાડોર રિટ્રિવર, ૧૫૨૭ જર્મન શેફર્ડ, ૧૪૯૭ શિત્ઝુ, ૧૧૩૮ પોમેરિયન, ૫૭૧ બીગલ, ૪૭૬ સાઇબેરિયન હસ્કી, ૪૦૦ પગ તથા ૩૫૬ રોટવાઇટલર ડોગ નોંધાયા છે તેમજ જુદી જુદી બ્રિડનાં ૮૩૧ ડોગ નોંધાયા છે.





