
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની વ્હીકલ પૂલ શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરવાના મામલે લેબર કોર્ટે કોર્પોરેશનને મોટો ઝટકો આપ્યો છે. સળંગ ૫૧૩ દિવસ અને દર વર્ષે ૨૪૦ દિવસથી વધુ સમય સુધી ફરજ બજાવી હોવા છતાં ડ્રાઈવરને હાંકી કાઢવામાં આવ્યા હતા. લેબર કોર્ટે કોર્પોરેશનના આ નિર્ણયને કાયદાની વિરુધ્ધ ઠેરવીને ભોગ બનનાર કર્મચારીને વળતર પેટે રૂપિયા ૫,૯૨,૪૪૪/- (અંદાજે રૂપિયા ૫.૯૨ લાખ) અને કોર્ટ ખર્ચના રૂપિયા ૧૦,૦૦૦/- આગામી ૩૦ દિવસમાં ચૂકવવાનો ઐતિહાસિક આદેશ કર્યો છે.
અરજદાર મોહમ્મદ રફીક અલ્લારખ્ખા શેખ વર્ષ ૧૯૯૨માં વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં હંગામી ડ્રાઈવર તરીકે જોડાયા હતા. જોકે કોર્પોરેશનના શાસકોએ શ્રમ કાયદાનો ભંગ કરીને તેમને કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ કે આર્થિક વળતર આપ્યા વગર જ ૧ ઓકટોબર ૨૦૦૨ ના રોજ અચાનક નોકરી પરથી છૂટા કરી દીધા હતા. આ અન્યાય સામે મોહમ્મદ રફીકે લેબર કોર્ટના ધ્વાર ખખડાવ્યા હતા.
આ કેસમાં કાનૂની લડત લાંબી ચાલી હતી. વર્ષ ૨૦૦૯માં દાખલ થયેલા રેફરન્સ કેસમાં લેબર કોર્ટે વર્ષ ૨૦૧૬માં અરજદારને ૨૦% બેકવેજીસ (પાછલા ગાળાના પગાર) સાથે નોકરીમાં પુન: સ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો. કોર્પોરેશને લેબર કોર્ટના આ હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પરંતુ હાઈકોર્ટે કોર્પોરેશનની અરજી રદ કરી દીધી હતી. હાઇકોર્ટના આદેશ છતાં તંત્રએ વર્ષ ૨૦૧૮ સુધી અરજદારને ફરજ પર લીધા ન હતા. બાદમાં જ્યારે ફરજ પર લીધા ન હતા. બાદમાં જ્યારે ફરજ પર લીધા ત્યારે પણ કાયમી કર્મચારી તરીકેના કોઈ લાભો આપ્યા ન હતા. આખરે અરજદારે પોતાની બાકી નીકળતી રૂપિયા ૯.૨૧લાખની લેણી રકમ મેળવવા માટે વર્ષ ૨૦૧૭માં રિકવરી અરજી દાખલ કરવી પડી હતી.
લેબર કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાનમાં લઈને કોર્પોરેશનની દલીલોને સદંતર નકારી કાઢી હાઈકોર્ટ ધ્વારા પાલિકાની અપીલ રદ કરાયા છતાં કાયદેસરના નાણાંથી વંચિત રખાતા ઉપર મુજબનો ચુકાદો આપી વળતર આપવાનો આદેશ કરાયો હતો.





