
આગામી ૧૮ મહિના સુધી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપે ‘ડોન ૩’ વિવાદ વચ્ચે રણવીર સિંહનું મોટું પગલું! રણવીર સિંહે દિગ્દર્શક જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ રિલીઝ થાય ત્યાં સુધી મીડિયાથી અંતર જાળવવાનો ર્નિણય લીધો રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન ૩’ને લઈને ચાલી રહેલી અટકળો, ચર્ચાઓ અને વિવાદો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, રણવીર સિંહે આગામી ૧૮ મહિના સુધી કોઈપણ પ્રકારના મીડિયા ઇન્ટરવ્યુ ન આપવાનો ર્નિણય લીધો છે અને ‘ડોન ૩’ વિવાદ અંગે સંપૂર્ણ મૌન જાળવવાનું પસંદ કર્યું છે. એક તરફ તેની એક પછી એક બંને ધુરંધર ફિલ્મો સફળ રહી છે અને ઘણા લોકો તેની પાસે આ ફિલ્મ વિશે પણ ઘણું સાંભળવા માગે છે. તાજેતરમાં રણવીરની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અભિનેતા આ મુદ્દે જાહેરમાં કોઈ નિવેદન નહીં કરે અને ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખશે.એક ટ્રેડ જર્નાલિસ્ટના જણાવ્યા અનુસાર, રણવીર સિંહે વ્યક્તિગત મુલાકાત દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે તે ‘ડોન ૩’ સંબંધિત કોઈપણ ચર્ચામાં ભાગ લેશે નહીં. જર્નાલિસ્ટના જણાવ્યા પ્રમાણે, રણવીરે કહ્યું હતું, “હું ‘ડોન ૩’ વિવાદ વિશે કંઈ નહીં બોલું અને ઓછામાં ઓછા આગામી ૧૮ મહિના સુધી કોઈ ઇન્ટરવ્યુ પણ નહીં આપું.”અહેવાલો મુજબ, આ ર્નિણય તમામ પ્રકારના મીડિયા ઇન્ટરેક્શન પર લાગુ પડશે અને હાલ પત્રકારોના અનેક ઇન્ટરવ્યુ રિક્વેસ્ટ્સ અનિશ્ચિત સમય માટે અટકાવવામાં આવ્યા છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુત્રોના જણાવ્યા અનુસાર, રણવીર સિંહે દિગ્દર્શક જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ રિલીઝ થાય ત્યાં સુધી મીડિયાથી અંતર જાળવવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય બાદ ‘ડોન ૩’માંથી તેના બહાર નીકળવાના કારણોને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. આ અંગેના અહેવાલો અનુસાર, ‘ડોન ૩’ પ્રોજેક્ટ દરમિયાન સર્જનાત્મક મતભેદો, ફિલ્મના નિર્માણમાં થયેલા વિલંબ અને અંતિમ સ્ક્રિપ્ટ અંગેની કેટલીક તકલીફોને કારણે રણવીર અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચે અંતર વધ્યું હતું. પછી ફીના અને કોન્ટ્રાક્ટ તોડવાના પ્રશ્નો પણ આવ્યા અને વચ્ચે વિવિધ સંગઠનો તેમજ દિગ્ગજ કલાકારો અને પ્રોડ્યુસર્સની મધ્યસ્થીના પણ અહેવાલો આવ્યા. જાેકે, ઇન્ડસ્ટ્રીના જાણકારોનું માનવું છે કે પરિસ્થિતિ હજુ એટલી ગંભીર નથી કે બંને પક્ષો વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હોય. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રણવીર સિંહને આશા છે કે ફિલ્મમેકર ઝોયા અખ્તર ભવિષ્યમાં તેની અને તેના ભાઈ ફરહાન અખ્તર વચ્ચેના મતભેદો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રણવીર અને ઝોયાએ અગાઉ ‘ગલી બોય’ અને ‘દિલ ધડકને દો’ જેવી સફળ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને બંને વચ્ચે મજબૂત વ્યાવસાયિક સંબંધ હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, રણવીર સિંહ હાલ પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ને લઈને ખૂબ ઉત્સાહિત હોવાનું કહેવાય છે. આ એક હાઈ-કોન્સેપ્ટ ઝોમ્બી ડ્રામા ફિલ્મ હશે, જે કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.ફિલ્મનું ડિરેક્શન જય મહેતા કરશે, જ્યારે જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતા પણ પ્રોજેક્ટ સાથે સહ-નિર્માતા તરીકે જાેડાયેલા છે. હાલ ‘ડોન ૩’ અંગે સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ થયું નથી, પરંતુ રણવીર સિંહના લાંબા સમય સુધી મૌન રહેવાના ર્નિણયે ચોક્કસપણે ચાહકો અને ફિલ્મ જગતમાં નવી ઉત્સુકતા જગાવી છે.





