
ફટકારી ચૂક્યો છે ત્રેવડી સદી ૩૨ વર્ષની ઉંમરે નિવૃત્તિ, ભારતીય ક્રિકેટરે કારકિર્દી માટે છોડ્યો દેશ આંધ્ર પ્રદેશનો ૩૨ વર્ષીય ક્રિકેટર હાલમાં મધ્ય પૂર્વીય દેશમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરત તાજેતરમાં ક્રિકેટની તકોની શોધમાં દેશ દુબઈ ગયો છે. ક્રિકબઝના એક અહેવાલમાં, અમીરાત ક્રિકેટના એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશનો ૩૨ વર્ષીય ક્રિકેટર હાલમાં મધ્ય પૂર્વીય દેશમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે.
કેએસ ભરતને ટીમ સ્ટેલિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે, જે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત ૪ ટીમોની ટુર્નામેન્ટમાં ભાગ લેતી સ્થાનિક ટીમ છે. અમીરાત ક્રિકેટના એક અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું હતું કે, અન્ય વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની જેમ, તે દુબઈ ગયો છે અને અહીં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે. એવી પણ અટકળો છે કે ભરત યુએઈની પ્રીમિયર ટી૨૦ ટુર્નામેન્ટ ILT20 માં તક શોધી શકે છે.
૩૨ વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરતે ભારત માટે ફક્ત સાત ટેસ્ટ મેચ રમી હતી. તેણે ફેબ્રુઆરી ૨૦૨૪માં વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે દેશ માટે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી. તે મેચ બાદ તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ભારત માટે પોતાની સાત ટેસ્ટ મેચોમાં ભરતે ૨૦.૦૯ની સરેરાશથી ૨૨૧ રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૪૪ હતો.
વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરતે આંધ્ર માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે ૧૧૩ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૩૬.૫૩ની સરેરાશથી ૬,૧૦૨ રન બનાવ્યા છે, જેમાં ૧૧ સદી અને ૩૩ અડધી સદીનો સમાવેશ થાય છે.
કેએસ ભરતે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૩૦૮ રન છે.
પૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે તેમણે કેએસ ભરતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના ર્નિણય પર પુનર્વિચાર કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેલાડીએ આગળ વધવાનું મન બનાવી લીધું હતું.





