
આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને AAPના નર્મદા જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, સાથે સાથે સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મુખ્યત્વે, કોંગ્રેસ પાર્ટીમાંથી મહેન્દ્રભાઈ રમણભાઈ બારીયા – OBC જિલ્લા પ્રમુખ, હિરેનભાઈ ભીખાભાઈ પરમાર – જલોદરા તાલુકા સદસ્ય, દિલીપભાઈ જશુભાઈ બારીયા – મહામંત્રી, તિલકવાડા, જયદીપભાઈ કનુભાઈ બારીયા – ડેપ્યુટી સરપંચ, ગમોડ, મનીષાબેન દેવેન્દ્ર વસાવા – પંચાયત સભ્ય, ગમોડ, મિતેશભાઈ નટવરભાઈ બારીયા – યુથ પ્રમુખ, તિલકવાડા, વનરાજસિંહ નટવરસિંહ સોલંકી – રાજપૂત સમાજ યુથ લીડર, બુજેઠા, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બારીયા – જિલ્લા ઉપપ્રમુખ, OBC, હિરેનભાઈ ભીખાભાઇ પરમાર વર્તમાન જલોદરા તાલુકા સદસ્ય સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. આ સિવાય ભાજપમાંથી ગણપતભાઈ ભીખાભાઈ બારીયા – બક્ષીપંચ મોરચા તાલુકા ઉપપ્રમુખ, રાજેશભાઈ ચતુરભાઈ તડવી – ST મોરચા તાલુકા મહામંત્રી, ગોપાલસિંહ માનસિંહ – કારોબારી સભ્ય પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. આ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા.
આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે તિલકવાડાના ઉતાવળી ગામે નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખના સ્વાગતનો કાર્યક્રમ હતો. આજના આ કાર્યક્રમમાં તિલકવાડાના બારીયા સમાજના આગેવાન મહેન્દ્રભાઈ બારીયા, દિલીપભાઈ બારીયા અને તેમની પૂરી ટીમ તાલુકા પંચાયતના સદસ્ય સાથે કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ લોકોનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. ભાજપની છેલ્લા 30 વર્ષની વ્યવસ્થાની જે નીતિ છે એની સામે અમારી લડાઈ છે. એક બાજુ ગુજરાતના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે, ખેડૂત કાળી મજૂરી કરીને પોતાનો પાક ઉગાડે છે અને એ પાક લઈને જ્યારે બજારમાં જાય છે તો ત્યાં ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતો પોતાના પેટે પાટા બાંધીને દિકરા દીકરીઓને ભણાવે છે, ત્યારે બીજી બાજુ આ સરકારના રાજમાં 24 પેપરો ફૂટી ગયા છે. હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવી અંધકારમય બન્યા હતા. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે ખેડૂત, યુવાન, મહિલા, નોકરિયાત, બેરોજગાર, આઉટસોર્સીંગના કર્મચારીઓ, ટેટ ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓ અને આશાવર્કરો સહિત તમામ લોકો આજે રોડ પર છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, તો આજે આ રીતની પરિસ્થિતિ પેદા કરવાનું કામ ભાજપની સરકાર કરે છે ત્યારે આ વિસ્તારના લોકો અને અમે બધા સાથે મળીને બદલાવની શરૂઆત કરી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે બદલાવ લાવીશું. એક પછી એક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, મહેન્દ્રભાઈ અને દિલીપભાઈની ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, આગળ પણ અમે બધાએ સાથે રહીને કામ કર્યું છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું. બીજી બાજુ ભાજપ જે હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદની રાજનીતિ કરે છે અને મત લઈ જાય છે તો એની સામે અમારી બદલવાની રાજનીતિ છે અને અમે આ બદલાવની રાજનીતિને લઈને આગળ વધી રહ્યા છીએ. આજે પાર્ટીમાં જે પણ આગેવાનો જોડાયા છે તે તમામ લોકોનું સન્માન જાળવીને તથા તેમના અનુભવો તથા વિશ્વાસમાં લઈને કામ કરીશું અને નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સાથે મળીને આગળ વધીશું.





