
જામનગરના વિહાને રચ્યો ઇતિહાસ ૯ વર્ષીય વિહાને ૫,૨૮૯ મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કર્યું હિમાલય ક્ષેત્રમાં આવેલા ફ્રેન્ડશીપ પિક તકનીકી રીતે પડકારજનક અને જાેખમી શિખરોમાં સ્થાન ધરાવે છે જામનગર શહેરના પ્રતિભાશાળી બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલા અતિ દુર્ગમ અને પડકારજનક ફ્રેન્ડશીપ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. ૫૨૮૯ મીટરની ઊંચાઈ ધરાવતા આ શિખરને સર કરીને વિહાને દેશભરમાં જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૯ વર્ષ અને ૪ મહિનાની નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર વિહાને અગાઉનો ૧૦ વર્ષ અને ૨ મહિનાની ઉંમરનો કીર્તિમાન પાછળ છોડી દીધો છે. આ સાથે તે ફ્રેન્ડશીપ શિખર સર કરનાર ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે.
હિમાલય ક્ષેત્રમાં આવેલા ફ્રેન્ડશીપ પિક તકનીકી રીતે પડકારજનક અને જાેખમી શિખરોમાં સ્થાન ધરાવે છે. આ શિખરનું આરોહણ કરવા માટે વિશેષ પર્વતારોહણ કૌશલ્ય, બરફ અને હિમનદી વિસ્તારમાં ચાલવાની તાલીમ, દોરડા, બરફકુહાડી, પગમાં બાંધવાના વિશેષ લોખંડી સાધનો તથા અન્ય જરૂરી સાધનોનો કુશળ ઉપયોગ તેમજ મજબૂત શારીરિક અને માનસિક ક્ષમતા જરૂરી બને છે.
અભિયાન દરમિયાન વિહાને કપરા હવામાન, ઓક્સિજનની ઓછી માત્રા અને બરફથી ઢંકાયેલા જાેખમી માર્ગો જેવા અનેક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બની છે.
વિહાન ચેતરીયા અગાઉ પણ હિમાલયના અનેક પર્વતીય પ્રવાસો અને શિખરો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે. બાળ પર્વતારોહણ ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરીને તે અન્ય બાળકો અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. તેની આ ઐતિહાસિક સફળતા સાહસિક રમતો, પર્વતારોહણ અને પ્રકૃતિપ્રેમ પ્રત્યે નવી પેઢીમાં ઉત્સાહ જગાવશે. વિહાન ચેતરીયાની આ અસાધારણ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક, રમતગમત અને સાહસિક ક્ષેત્રની સંસ્થાઓ તેમજ નાગરિકો દ્વારા તેને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જામનગરના આ સાહસિકે પોતાની પ્રતિભા, હિંમત અને અડગ મનોબળના બળે સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.





