
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા પહોંચ્યા હતા. અહીં પત્રકારોને સંબોધિત કરતા ’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આદિવાસી સમાજના હીરો, સમાજનું રતન અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓને જાગૃત કરીને તેમનો બુલંદ અવાજ બનનાર ચૈતરભાઈ વસાવા, તેમના પરિવાર અને અન્ય આદિવાસી આગેવાનોને ભાજપે ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. આ અન્યાયના પડઘા સમગ્ર આદિવાસી સમાજમાં પડ્યા છે. ભાજપ સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ની વાતો કરતી હતી, પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે કે વિકાસના નામે તેમણે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કશું જ કર્યું નથી. જ્યારે ચૈતરભાઈ વસાવાએ મનરેગા યોજનામાં થયેલું ₹૨,૫૦૦ કરોડનું કૌભાંડ, ‘નલ સે જલ’ યોજનાના ભ્રષ્ટાચાર અને જળ-જંગલ-જમીનના મુદ્દાઓ ઉજાગર કર્યા, ત્યારે ભાજપે વેરભાવ રાખીને આ હલકી કક્ષાની રાજનીતિ શરૂ કરી. રાજકીય કિન્નાખોરી એટલી હદે વધી ગઈ કે ૧૫ દિવસના બાળકને તેની માતા સાથે જેલમાં રાખવામાં આવ્યું! આવું કૃત્ય કરવાની હિંમત તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતી થઈ. ભાજપના વકીલો, ભાજપના અધિકારીઓ અને તેમના જ ફરિયાદીઓએ મિલીભગત કરીને ડે-ટુ-ડે કેસ ચલાવી આખી ટીમને સજા કરાવી દીધી. કેટલાક ભાજપના નેતાઓ કહે છે કે સજા કોર્ટે કરી છે, પણ હું પૂછવા માંગુ છું કે શું ચૈતરભાઈ કોઈ ડ્રગ્સ કે હત્યાના કેસમાં પકડાયા હતા? ચૈતરભાઈને કાં તો તમે ભાજપમાં સામેલ કરવા માંગતા હતા અને તેમ ન થયું એટલે તેમનો અવાજ દબાવવા માટે આ કાવતરું ઘડાયું છે.
વાસ્તવમાં, અહીના જંગલોની કિંમતી જમીનો પર મોટી-મોટી પ્રાઇવેટ કંપનીઓ લાવવાનું ભાજપનું મોટું ષડયંત્ર છે. કંપનીવાળા આ જંગલો પર નજર બગાડીને બેઠા છે અને ચૈતર વસાવા તેમની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા, કારણ કે તેઓ આદિવાસીઓને જાગૃત કરતા હતા. આ અન્યાય સામે આદિવાસી સમાજમાં ભારે રોષ છે અને એટલે જ આવતીકાલે ડેડિયાપાડામાં ચાર રાજ્યો (ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર) ના તમામ આદિવાસી સંગઠનોનું એક વિરાટ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને રહેશે, ભાજપ ભલે તેમને હટાવવાના સપના જુએ. અમે આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયા છીએ અને અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. આવતીકાલના કાર્યક્રમમાં ૧ લાખથી વધુ આદિવાસી યુવાનો, મહિલાઓ અને વડીલો ચૈતરભાઈના સમર્થનમાં ઉમટી પડશે. ’આપ’ ના તમામ ટોચના નેતાઓ મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઈટાલિયા અને નિરંજનભાઈ સહિતની આખી ટીમ ત્યાં હાજર રહેશે. હું તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને જનતાને આ સંમેલનમાં પધારવા આહવાન કરું છું. જો આજે આપણે એક થઈને અવાજ નહીં ઉઠાવીએ, તો ભાજપ ભવિષ્યમાં પણ અવાજ ઉઠાવનાર દરેક આદિવાસી યુવાન પર ખોટા કેસ કરીને જેલમાં પૂરી દેશે. અંગ્રેજો સામે પણ જે સમાજ નહોતો ઝૂક્યો, તે આદિવાસી સમાજ ભાજપની કઠપૂતળી ક્યારેય નહીં બને કે ન તો તેમનાથી ડરશે. હું ભાજપના તમામ આદિવાસી ધારાસભ્યો અને સાંસદોને પણ કહેવા માંગુ છું કે તમારા માટે સમાજ વ્હારે આવવાનો આ છેલ્લો મોકો છે. ચૈતર વસાવા જેવા આદિવાસી રતનને કચડવાની કોશિશ થઈ રહી છે, ત્યારે તમે પણ પદ અને ભાજપ છોડીને આવતીકાલની રેલીમાં જોડાઓ. ડેડીયાપાડાથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મેસેજ આપવા માંગીએ છીએ કે આદિવાસી લોકો ડરવાના નથી હું ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને ૩૫-૩૫ વર્ષથી સાંસદ બનાવ્યા છે, પણ તમે ક્યારેય સમાજની ચિંતા નથી કરી. માત્ર વોટબેંક તરીકે આદિવાસીઓનો ઉપયોગ થયો છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે જ્યારે ચૈતરભાઈએ કરોડોનું કૌભાંડ પકડ્યું ત્યારે મનસુખભાઈ કેમ મૌન હતા? આદિવાસીઓની ગ્રાન્ટો ખવાઈ જાય છે અને પીએમના કાર્યક્રમોમાં વાપરી નંખાય છે ત્યારે તમે કેમ નથી બોલતા? મનસુખભાઈ, જો તમે સાચે જ સમાજના હોવ તો રાજીનામું આપીને ચૈતરભાઈના સમર્થનમાં આવો, ૧ લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે. પણ તમે એવું નહીં કરો, કારણ કે તમે ભાજપના ઈશારે નાચતી કઠપૂતળી છો. વનકર્મીઓ અને પોલીસે જે કેસ કર્યો છે તે તદ્દન ખોટો અને દબાણપૂર્વક કરાવેલો છે. આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે એટલે ભાજપ લીગલ પોઈન્ટ્સ આગળ ધરીને સમાજમાં ભાગલા પાડવા માંગે છે, પણ કોઈ ભરમાતા નહીં. જેવી રીતે છત્તીસગઢ અને ઝારખંડમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરીને જંગલો અદાણીને સોંપી દેવાયા, તેવો જ પ્લાન અહીં ગુજરાતમાં અદાણીને ઘુસાડવા માટે થઈ રહ્યો છે. ચૈતરભાઈ પોતે અને અમારા વકીલોની ટીમ આ કેસ પર સતત કામ કરી રહી છે. ખુદ અરવિંદ કેજરીવાલજી દિલ્હીથી આ આખી કાનૂની પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે. મારા અને મનોજભાઈ સહિત અમારા તમામ નેતાઓ પર કેસ કરાયા છે, પણ અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે ઉપલી અદાલત (હાઈકોર્ટ) ચૈતર વસાવાને સ્ટે આપશે અને તેઓ ધારાસભ્ય પદ પર કાયમ રહેશે.





