
આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પદે ખેડૂત નેતા પ્રવીણ રામની નિમણૂક કરી હતી. પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે તો હવે તેઓ આ બંને જવાબદારી નિભાવશે. પ્રવીણ રામ છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પદે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને તમામ ફ્રન્ટના સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેનાથી ગુજરાતમાં ખેડૂતોની લડાઈ વધુ મજબૂત બનશે અને ખેડૂતોને ન્યાય અપાવવાનો અવાજ વધુ બુલંદ બનશે.
પ્રવિણ રામ ગુજરાતના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે 2012થી ગુજરાતના ખેડૂતો, કર્મચારીઓ, યુવાનો, આશા બહેનો તેમજ ફાર્માસિસ્ટો માટે સતત આંદોલનો કરી લાખો યુવાનોને ન્યાય અપાવવાનું કામ કર્યું. લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડાઈ લડી એમનો પગાર વધારવાનું કામ તેમજ આશા બહેનોનો પગાર વધારવાનું કામ , કોન્ટ્રાકટ ,આઉટસોર્સ, આંગણવાડી બહેનો માટે લડાઇ લડવાનું કામ, સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવી લાખો યુવાનોને ન્યાય અપાવવાનું કામ પ્રવીણ રામે કર્યું. ગુજરાતના યુવાનોની લડાઈની સાથે સાથે પ્રવિણ રામે ગુજરાતના ખેડૂતો માટે 2016 થી લડાઈ લડવાનું પણ શરૂ કર્યું હતું.
1) 2016 ગીરમાં ઇકોઝોનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા પ્રવિણ રામે માત્ર 25 વર્ષની ઉમરે ખેડૂતો માટે લડાઇ લડવાની શરૂઆત કરી દીધી, ખેડૂતો માટે ઇકોઝોન સામેની લડાઈમાં પ્રવિણ રામે ખેડૂતોની વિશાળ રેલીઓ તેમજ ઉપવાસના માધ્યમથી સતત દોઢ વર્ષ સુધી લડાઈ લડી, ખેડૂતોને આ ઇકોઝોન જેવા કાળા કાયદાથી બચાવ્યા, આ ખેડૂતોની લડાઈ માટે માત્ર 25 વર્ષના યુવાન એવા પ્રવિણ રામે 45 દિવસ સુધી પ્રતીક ઉપવાસ અને ત્યારબાદ સતત 14 દિવસ આમરણ ઉપવાસ કરી સરકારને ખેડૂતોની માંગણીઓ માનવા મજબૂર કરી હતી.
2) ત્યારબાદ 2019ની આસપાસ કેશોદ ખાતે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે થયેલી નુકસાનીનું વળતર આપવા માટે ખેડૂતોની એક વિશાળ રેલી કાઢી હતી.
3) ત્યારબાદ 2020 માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ પ્રવિણ રામે સતત ખેડૂતોના બિયારણ, ખાતર, વીજળી, પાણી, નુકશાનીના વળતર, દેવામાફી જેવા મુદ્દાઓને લઈને સતત લડાઈ ચાલુ રાખી .
4) ત્યારબાદ 2024માં ફરીથી ખેડૂતોની વિરુદ્ધમાં ગીરમાં ઇકોઝોન જેવા કાળા કાયદાને પસાર કરવાનો પ્રયત્ન થતા પ્રવિણ રામે સતત 6 મહિના સુધી ખેડૂતો માટે લડાઇ લડી ખેડૂત વિરોધી ઇકોઝોન જેવા કાળા કાયદાને ફરીથી અટકાવી ખેડૂતોને ન્યાય અપાવ્યો.
5) 2025માં ખેડૂતનેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતોના પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એ માટે સતત 14 દિવસની પદયાત્રા મારફત 45 ગામડાઓનો પ્રવાસ કરી ઘેડના ખેડૂતોના મુદાને ઉઠાવવાનું કામ કર્યું.
6) ત્યારબાદ 2025માં બોટાદ ખાતે કડદાના વિરુદ્ધમાં આંદોલનમાં ખેડૂતોને ન્યાય અપાવવાના પ્રયત્નમાં ખેડૂત નેતા પ્રવિણ રામે ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવી.
આમ 2012થી ગુજરાતના યુવાનો અને કર્મચારીઓ માટે અને 2016થી ગુજરાતના ખેડૂતો માટે સતત લડાઈ લડતા એવા પ્રવિણ રામને આમ આદમી પાર્ટીએ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષની સાથે સાથે હવે ગુજરાતના કિસાન વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, ત્યારે હવે ગુજરાતમાં પ્રવિણ રામના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની લડાઈ વધારે મજબૂત બનશે.





