
નર્મદા, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ.ગુજરાતમાં ૭ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી.દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અલગ-અલગ દિવસોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું.ગુજરાતમાં ચોમાસું હવે જાેર પકડી રહ્યું છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૬ જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અલગ-અલગ દિવસોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, ઉત્તર બંગાળની ખાડી પર નવું લો-પ્રેશર વિસ્તાર સક્રિય થઈ રહ્યું છે. પૂર્વી બિહાર ઉપર ચક્રવાતી પરિભ્રમણ, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ તેમજ પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે.
૨ જુલાઈ: સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ – ૨ જુલાઈએ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ અનુસાર ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
૩ જુલાઈ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો સૌથી વધુ ખતરો – ૩ જુલાઈએ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા-નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નર્મદા, સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
૪ જુલાઈ: નર્મદા, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ – ૪ જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૫ જુલાઈ: ફરી તાપી, ડાંગ, દમણ અને વલસાડ માટે રેડ એલર્ટ – ૫ જુલાઈએ તાપી, ડાંગ, દમણ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૬ જુલાઈ: અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ – ૬ જુલાઈએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, માછીમારો અને પ્રવાસીઓને સાવચેતી રાખવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.





