ભાજપ શાસનમાં ૧૨ વર્ષમાં પેપર લીકની ૯૦મી ઘટના કોંગ્રેસના કેન્દ્ર પર પ્રહાર, રાહુલ ગાંધીની આગેવાનીમાં થશે આંદોલન પેપર લીક મામલે ૨૫ જૂનથી ૯ ઓગસ્ટ સુધી ૨૮ રાજ્યોમાં પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ૯ ઓગસ્ટે દિલ્હીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ
NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલીને દેશવ્યાપી અભિયાન તેજ કર્યું છે. આ અંતર્ગત ૨૫ જૂનથી ૯ ઓગસ્ટ સુધી દેશના ૨૮ રાજ્યો અને ૨૮ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આ જ કડીમાં ૯ ઓગસ્ટે દિલ્હીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની હાજરીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાશે, જેની રણનીતિ ઘડવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.
આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મળીને દિલ્હીમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય કાર્યક્રમ પહેલા ૨ જુલાઈથી ૬ જુલાઈ સુધી વિધાનસભા સ્તરે પણ વિવિધ વિરોધ પ્રદર્શનો યોજાશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને આ ન્યાયની લડાઈમાં જાેડી શકાય. કોંગ્રેસ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરવા માંગે છે.
બેઠક દરમિયાન AICC દિલ્હી પ્રભારી કાઝી નિઝામુદ્દીને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો હતો કે, છેલ્લા ૧૨ વર્ષોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની આ ૯૦મી ઘટના છે. સતત થઈ રહેલા પેપર લીકના કારણે દેશના લાખો વિદ્યાર્થીઓનો પરીક્ષા પદ્ધતિ પરથી ભરોસો ઊઠી ગયો છે અને યુવાનોનું ભવિષ્ય ભારે સંકટમાં મુકાયું છે.
કોંગ્રેસના નેતાઓએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી ન થવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી સહ-પ્રભારી દાનિશ અબરારે સીધું નિશાન સાધતા કહ્યું કે, પરીક્ષા પ્રણાલીમાં આટલી મોટી ગડબડો થઈ હોવા છતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હજુ સુધી રાજીનામું આપ્યું નથી.
કોંગ્રેસે માંગ કરી છે કે પેપર લીક મામલાની નિષ્પક્ષ તપાસ થાય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે. કોંગ્રેસના મતે, છાત્રો કી ગુંજ અભિયાન માત્ર કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટેનો મોટો પ્રયાસ છે, જેનો મુખ્ય પડાવ ૯ ઓગસ્ટે દિલ્હીમાં જાેવા મળશે.





