દર વર્ષે ૨ વોરશિપ બનાવવાનો આપ્યો આદેશ ૩ દેશો ધ્રુજી ઉઠ્યા ! કિમ જાેંગ ઉને દરિયામાં ઉતાર્યું મહાવિનાશક યુદ્ધ જહાજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉને તાજેતરમાં નવા વિધ્વંસક કાંગ કોન પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું
આજકાલ જ્યાં મોટાભાગના દેશો આધુનિક ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર વોર સિસ્ટમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉન પરંપરાગત પરંતુ, અત્યંત આક્રમક નૌકાદળનું સૈન્ય તૈયાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિમ જાેંગ ઉને ઉત્તર કોરિયાના નવા વિધ્વંસક (ડિસ્ટ્રોયર) કાંગ કોનના ડેક પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું, જે સ્પષ્ટ સંકેત છે કે, પ્યોંગયાંગ પોતાની દરિયાઈ પ્રહાર ક્ષમતાને એક નવા સ્તરે લઈ જવા માટે ઉત્સુક છે.
કાંગ કોન વિધ્વંસકનું સમુદ્રમાં ઉતરવું, એ ઉત્તર કોરિયાની નૌસેના માટે માત્ર એક લશ્કરી પરીક્ષણ નથી, પરંતુ એક મોટી મનોવૈજ્ઞાનિક જીત પણ છે. આ એ જ યુદ્ધજહાજ છે, જે ગયા વર્ષે તેના લોન્ચિંગ સમારોહ દરમિયાન ગંભીર તકનીકી ખામીનો ભોગ બન્યું હતું, અને બંદર પર જ આંશિક રીતે પલટી ગયું હતું. આ ઘટના પર કિમ જાેંગ ઉને ભારે નારાજગી વ્યક્ત કરી હતી, અને અધિકારીઓને કડક ઠપકો આપ્યો હતો. જાેકે, રેકોર્ડ સમયમાં તેની મરામત કરવામાં આવી, અને તેને ફરીથી સમુદ્રમાં ઉતારવામાં આવ્યું છે. કિમ જાેંગ ઉને હવે આ જહાજને આગામી ૨ મહિનામાં યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. કિમ જાેંગ ઉન માત્ર એક, કે બે જહાજાેથી સંતુષ્ટ થવાના નથી. તેમની નૌકાદળની યોજનાઓ ખૂબ જ આક્રમક અને લાંબા ગાળાની છે. કિમ તરફથી સંરક્ષણ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ આગામી ૫ વર્ષ સુધી દર વર્ષે આ શ્રેણી (Choe Hyon-class)ના બે નવા વિધ્વંસક જહાજાેનું નિર્માણ કરે.
ઉત્તર કોરિયાના પ્લાનમાં ૧૦૦૦૦ ટન વર્ગના મહાવિશાળ યુદ્ધજહાજાેનું નિર્માણ પણ સામેલ થઈ ચૂક્યું છે. ઉત્તર કોરિયા પોતાના નૌકાદળને પરમાણુ હથિયારોથી સજ્જ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં પરીક્ષણ કરાયેલી ક્રૂઝ મિસાઈલો પરમાણુ પેલોડ વહન કરવા માટે સક્ષમ હોવાનું કહેવાય છે, જે સીધી રીતે દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળના ઠેકાણાઓ માટે મોટો ખતરો બની શકે છે.





