આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે એક વીડિયોના માધ્યમથી તંત્ર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે ગામલોકો અને મીડિયાના માધ્યમથી નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સરકારને વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દોળિયા બાવત્રી પાસે આવેલો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર અને વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ પુલનું કામ એકદમ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. નિયમ પ્રમાણે વાહનચાલકોને યોગ્ય અંતરેથી ડાયવર્ઝન આપવાનું હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે છેક પુલની નજીક આવીને અચાનક ડાયવર્ઝન આપી દીધું છે અને ત્યાં પૂરતા સાઈનબોર્ડ કે લાઈટોની વ્યવસ્થા પણ નથી. આના કારણે વાહનચાલકોને રાત્રિના સમયે રસ્તો દેખાતો નથી અને અકસ્માત સર્જાય છે. આજે જ અહીં એક મોટો અકસ્માત થયો છે, જેમાં ૫ જેટલા વાહનોને ભારે નુકસાન થયું છે. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ જો કોઈ મોટી જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? કયા અધિકારી આની જવાબદારી લેશે?

’આપ’ નેતા રમેશ મેરે વધુમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં ભ્રષ્ટ તંત્ર અને અધિકારીઓના કાનમાં જાણે મેલ ભરાઈ ગયો હોય તેમ કોઈ સાંભળવા તૈયાર નથી. શું તંત્રના કે સરકારમાં બેઠેલા નેતાઓના પોતાના દીકરા-દીકરી કે પરિવારજનોનો અકસ્માત થશે ત્યારે જ આ લોકો જાગશે? હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, આ આખો ગ્રામીણ વિસ્તાર છે અને અત્યારે ખેતીની સિઝન હોવાથી ખેડૂતોની અવરજવર ખૂબ વધારે રહે છે. તંત્ર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના પાપે નિર્દોષ વાહનચાલકો અને ખેડૂતોએ ભોગ બનવું પડી રહ્યું છે. અમારી માંગ છે કે યોગ્ય અંતરેથી વાહનચાલકો જોઈ શકે તેવું પ્રોપર ડાયવર્ઝન તાત્કાલિક બનાવવામાં આવે. આ બેદરકારી બદલ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને બેજવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. સરકાર અત્યારે જનતાના હિતમાં વિચારવાને બદલે કોન્ટ્રાક્ટર અને કંપનીઓને બચાવવામાં મગ્ન છે. જો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે.





