અમદાવાદમાં ટેક્નોલોજીનો નવો યુગ અમદાવાદને નવી હાઇટેક RTO કચેરીની ભેટ મળી AI અને સેન્સર આધારિત સિસ્ટમથી થશે ડ્રાઇવિંગ ટેસ્ટ, માનવ હસ્તક્ષેપ વિના પારદર્શક પ્રક્રિયા અમદાવાદ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ નવી હાઇટેક RTO કચેરીની ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૬૨ કરોડના ખર્ચે નિર્મિત નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને ઝડપી અને સરળ સેવા મળી રહે તે માટે અહીં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નવી RTO કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ, એસી વેઇટિંગ હોલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેના કારણે અરજદારોને અલગ-અલગ કાઉન્ટર પર જવાની જરૂર નહીં પડે અને કામગીરી વધુ સરળ બનશે.
આ હાઇટેક કચેરીની સૌથી મોટી વિશેષતા ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ પ્રક્રિયામાં કરવામાં આવેલો મોટો બદલાવ છે. હવે લાયસન્સ માટેનો ડ્રાઇવિંગ ટેસ્ટ સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત રહેશે. AI અને સેન્સર આધારિત સિસ્ટમ દ્વારા ઉમેદવારના ડ્રાઇવિંગ કૌશલ્યનું મૂલ્યાંકન કરવામાં આવશે.
નવી ઓટોમેટિક સિસ્ટમમાં સીટ બેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, વાહન નિયંત્રણ અને નિર્ધારિત ટ્રેક પર યોગ્ય રીતે ડ્રાઇવિંગ જેવા મુદ્દાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. ૧૫૦ સેકન્ડના આ ટેસ્ટ દરમિયાન થતી દરેક ભૂલ સિસ્ટમ દ્વારા આપમેળે નોંધવામાં આવશે.આ નવી વ્યવસ્થાથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં પારદર્શિતા વધશે અને માનવ હસ્તક્ષેપ ઘટશે. સાથે જ લાયસન્સ પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય બનશે. તંત્રનો દાવો છે કે હાઇટેક RTO વ્યવસ્થા નાગરિકોને વધુ સારી અને આધુનિક સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.





