આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને સંગઠન મંત્રી ડૉ. કરન બારોટે આજરોજ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયાને સંબોધન કરતા ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે. આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો છે, પરંતુ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે દુષ્કાળગ્રસ્ત હાલત છે. આખા ગુજરાતને દેખાય છે, અધિકારીઓને દેખાય છે, પરંતુ અહંકારી ભાજપ સરકારને દેખાતું નથી. દ્વારકામાં આંકડા પ્રમાણે પણ જોઈએ તો માત્ર ને માત્ર 6% વરસાદ થયો છે. પોરબંદરમાં 19%, જામનગરમાં 28% અને કચ્છમાં 29% વરસાદ થયો છે. એટલે કે ઓછામાં ઓછી 85% થી 90% વરસાદની ઘટ છે અને આંકડા પ્રમાણે પણ આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર થઈ જવો જોઈએ. આમ આદમી પાર્ટીએ અનિશ્ચિતકાલીન ધરણા કર્યા, હજારો ફોર્મ ભરાવડાવ્યા, ગાંધીનગરમાં પણ રજૂઆતો કરી, પરંતુ આ સરકારના પેટનું પાણી નથી હલતું. આજે અંદાજે દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર અને પોરબંદરનો ગણીએ તો અંદાજે 3,00,000 થી વધુ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. હજારો કરોડનું નુકસાન થયું છે. તેમનું બિયારણ ખતમ થઈ ગયું છે અને હજી તો શિયાળુ પાકનું નુકસાન તો અલગ છે. ઓછામાં ઓછું 10,000 કરોડથી વધારેનું નુકસાન આ ખેડૂતોને થયું છે. આ સરકાર હંમેશાં એ જોતી હોય છે કે ખેડૂતોમાં નારાજગી છે કે નહીં. આ ભાજપ સરકાર માત્ર મત કે હારથી જ સુધરતી હોય છે, એને બીજું કંઈ પડી નથી હોતી. અમે આ આંદોલન કર્યું, પણ મારે સરકારને એ કહેવાનું છે કે ભાડથર જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં ખેડૂતોએ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પાર્ટી બધું ભૂલીને તમને સબક શીખવાડ્યો. અને કેવો સબક શીખવાડ્યો? 100, 200 કે 500 મતે જ્યાં જિલ્લા પંચાયતની સીટ ઉપર હાર-જીત થતી હોય, એને બદલે અંદાજે 3,700 મતથી હાર-જીત કરાવડાવી! ભાજપને ભોંયભેગો કરી દીધો. શું હજી ભાજપ જાગતી નથી? હજી ભાજપને અહંકાર છે? ભાડથર તો ઝાંખી છે, આખું ગુજરાત હજી બાકી છે!”
ભાજપ સરકાર જો આ જ રીતે ચાલી તો 2027માં આજ ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને ભાગિયાઓ આ સરકારને ઉથલાવીને ફેંકી દેશે. મારી હજી પણ સરકારને વિનંતી છે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં તમને પેટમાં ક્યાં દુખે છે? ઓફિશ્યિલ ધોરણો (norms) પ્રમાણે પણ આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર થઈ શકે તેમ છે. મહારાષ્ટ્રની સરકારે કર્યું છે, બીજા રાજ્યોની સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યું છે, તો હજી સુધી તમે કેમ નથી કર્યો? આ એક મોટો સવાલ છે. અમે વારંવાર રજૂઆતો કરી છે અને મુખ્યમંત્રીને ફરીથી વિનંતી કરું છું કે ભાડથર જિલ્લા પંચાયતથી ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને ભાગિયાઓએ તમને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે હજુ જો દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરો, તો 2027માં તમારા સૂપડા સાફ કરી દેવામાં આવશે. તમે ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ જેટલા નેતાઓ હતા, તે બધાને ગામેગામ બેસાડી દીધા હતા. બધી જ્ઞાતિના નેતાઓને તમે મોકલ્યા હતા કે તમારી જ્ઞાતિના મત લઈ આવો, છતાંય લોકોએ તમને મત નથી આપ્યા! તમારી સાથે રહીને પણ મત ન આપ્યા તેનો ઈશારો એ છે કે ખેડૂતો એવું ઈચ્છે છે કે અમારી સાતમ બગડી છે, હવે દિવાળી ન બગાડતા. સાતમ તો તમે બગાડી નાખી, ઠંડી સાતમ ગઈ છે, કેટલાક ઘરોમાં તો લાડવા પણ બન્યા નહોતા (નહિતર જન્માષ્ટમીમાં લાડવા બનાવવાની આપણી પરંપરા છે). પરંતુ, હવે ખેડૂતોની એટલી દયનીય હાલત છે કે જો દિવાળી પહેલા તુરંત સહાય તેમના ખાતામાં જમા કરવામાં નહીં આવે, તો ખેડૂતોને જીવવું કઠિન થઈ પડશે. એના માટે જો તમે વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા નહીં કરો, મનરેગા યોજના અંતર્ગત સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરો અને ઘાસચારાની અલાયદી વ્યવસ્થા નહીં કરો, તો આ જિલ્લાઓમાં ખેડૂતોની હાલત એટલી બદતર થઈ જશે કે જીવવું મુશ્કેલ બનશે. એટલે મારી સરકારને ફરીથી વિનંતી છે કે વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. ઓફિશ્યિલ આંકડા પ્રમાણે પણ અત્યારે જામનગરમાં 2.25 લાખ હેક્ટર જમીનમાંથી લગભગ 95% પાક ફેલ ગયો છે. દ્વારકામાં પણ લગભગ 1 થી 1.25 લાખ હેક્ટર અને પોરબંદરમાં 70,000 હેક્ટરની આસપાસ આખો પાક નિષ્ફળ ગયો છે. સરકારને અમે 15 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. હું હજી કહું છું કે ટૂંક સમયમાં, દિવાળી પહેલા જો કોઈ જાહેરાત કરવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટીને મજબૂર થઈને વધુ જલદ આંદોલન તરફ આગળ વધવું પડશે.
પત્રકારના સવાલનો જવાબ આપતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તમે જે કહો છો એ વાત 7 થી 9 સપ્ટેમ્બર વચ્ચેની છે, જે મંત્રીએ વિધાનસભા સત્ર દરમિયાન કહી હતી. મેં પણ અનિશ્ચિતકાલીન ધરણા કર્યા હતા અને એ 4 તારીખ સુધી ચાલ્યા હતા, આપને ખબર હશે. એ પછી વિધાનસભાના સત્રમાં અમે ઘેરાવ કર્યો હતો. અમારા ધારાસભ્યો અને અમે બધા સૂકાયેલી મગફળી અને પૂળા લઈને ગયા હતા. ત્યારે એમણે એવું કહ્યું હતું કે ‘ચોમાસું ચાલુ છે એટલે અમે ના કરી શકીએ.’ તો 30 સપ્ટેમ્બરે ચોમાસું પૂરું થઈ ગયું. 30 સપ્ટેમ્બરે પૂરું થયા પછી એમણે સર્વે કરવાનો હતો. સર્વે કર્યા પછી એના નોર્મ્સ (ધોરણો) નક્કી કરીને નુકસાનીનું આંકલન કરવાનું હતું. એ પ્રોસેસ પણ 15 ઓક્ટોબર સુધી પૂરી થઈ જવી જોઈતી હતી. તો 15 ઓક્ટોબર પછી તો તેઓ ઓફિશ્યિલ જાહેરાત કરી જ શકે છે. આમ તો 2016-17ના કાયદા પ્રમાણે તેઓ ત્યારે પણ દુષ્કાળ જાહેર કરી શકતા હતા. મહારાષ્ટ્રમાં પણ દુષ્કાળ જાહેર થઈ ગયો છે, છતાં આ લોકો ભાડથર જિલ્લા પંચાયત હાર્યા બાદ પણ સુધરતા નથી. ભાજપનો એક પણ નેતા, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી જેઓ ખેડૂતોના મતે ચૂંટાઈને આવ્યા છે તેઓ ખેડૂતો માટે કંઈ બોલી શકતા નથી કે કહી શકતા નથી. એટલે મને એવું લાગે છે કે ભાજપના આ નમાલા નેતાઓ, જેઓ માત્ર ટિકિટવાંછુઓ છે, તેઓ એવું જ કહે છે કે ‘અમે રજૂઆતો કરી, અમે રજૂઆતો કરી.’ પણ રજૂઆતો કર્યા પછી પરિણામ શું આવ્યું? રજૂઆતો અને આંદોલનો તો વિપક્ષે કરવાના હોય! તમે લેટર લખો છો પણ તમારુ કંઇ ઉપજતુ નથી, તો આપી દો રાજીનામાં! સાંસદ તરીકે, ધારાસભ્ય તરીકે કે મંત્રી તરીકે આપી દો રાજીનામાં. જો ખેડૂતોના મુદ્દે તમે સહાય અપાવશો તો લોકો આપોઆપ તમારી સાથે ઊભા રહેશે. અમે તો ઈચ્છીએ છીએ કે લોકો અમને ભૂલી જાય, પણ ખેડૂતોને કંઈક મળવું જોઈએ. એટલે મંત્રીના નિવેદન સંદર્ભે એટલું ચોક્કસ છે કે હવે મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવો જોઈએ કે તેઓ દુષ્કાળ જાહેર કરશે કે નહીં કરે? જો તેઓ એમ કહે કે નહીં કરીએ, તો પછી આમ આદમી પાર્ટીને પણ ખબર પડે કે ખેડૂતો માટે આગળ કયો રસ્તો અપનાવવો.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડી રહી છે, પરંતુ હવે પ્રજાએ પણ સ્ટેન્ડ લેવું પડશે. આ સરકારને ઘરભેગી કરીને પોતાની સરકાર લાવવી પડશે, નહિતર આ લોકો આખું ગુજરાત વેચી દેશે. અમે લડત આપીએ છીએ ત્યારે પોલીસ અમને ડિટેન કરે છે, એફઆઈઆર (FIR) કરે છે. તો શું પ્રજાએ પણ એમની જ પોલીસ બની રહેવાનું છે? મારી વિનંતી છે કે ગુજરાતની જનતા વિચાર કરે કે તમારા માટે ખરેખર લડે છે કોણ? આ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા ૩૦ વર્ષમાં અદાણી જેવી મહાકાય કંપનીઓ રૂપિયે-ટોકન ભાડે હજારો એકર જમીનો લઈને બેઠી છે. આ ઉદ્યોગપતિઓ નથી ઈચ્છતા કે ભાજપ સિવાય કોઈ સરકાર આવે, કારણ કે આમ આદમી પાર્ટી ખેડૂતો, ગરીબો, વંચિતો અને શ્રમિકોની સરકાર છે. જો આજે ‘આપ’ની સરકાર હોત તો યોગ્ય ભાવ આપ્યા વગર ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવાની કોઈ કંપનીની તાકાત ન હોત. કચ્છ અને ભાવનગરમાં હજારો એકર જમીનો કંપનીઓને આપીને આખું કચ્છ વેચી નાખ્યું, છતાં ત્યાંથી ભાજપના જ સાંસદો અને ધારાસભ્યો ચૂંટાય છે! આ કંપનીઓ ભાજપ પાસેથી લાભ લે છે, ભાજપને ફંડ આપે છે અને એ જ ફંડ તથા સત્તા-પોલીસના જોરે ચૂંટણીઓ જીતે છે. એટલે મારી જનતાને હાથ જોડીને વિનંતી છે કે તમારે મતદાનના દિવસે જાગવું જ પડશે. ભાડથર જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને માલધારીઓએ એક થઈને ભાજપને પરચો બતાવી દીધો છે. ત્યાં જ્ઞાતિ-જાતિના નેતાઓ, રૂપિયા, કોન્ટ્રાક્ટરો કે મહાકાય કંપનીઓ કંઈ જ કામ ના આવ્યું. ભાડથરની જનતાએ જેમ એક થઈને જવાબ આપ્યો છે, તેમ જો આખા ગુજરાતની જનતા એક થઈ જાય તો આપણે આવી કંપનીઓની દાદાગીરી સહન ન કરવી પડે.




