( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
ભારતીય લોકશાહીમાં સરકારને કાયદાનું પાલન કરાવવાનો સંપૂર્ણ અધિકાર છે. “ જો કોઈ વ્યક્તિ ભલે તે કેટલા પણ પ્રભાવશાળી રાજકારણી કેમ ન હોય, કાયદાનો ભંગ કરે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ સિધ્ધાંતમાં કોઈ મતભેદ હોઈ શકે નહીં. પરંતુ જ્યારે કાર્યવાહીનો વિષય હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થા બની જાય, ત્યારે પ્રશ્ન માત્ર કાયદાનો રહેતો નથી. તે શિક્ષણ સમાજ અને જાહેર હિતનો પણ બની જાય છે.
ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી અંગે થયેલી કાર્યવાહી અને તોડફોડની ચર્ચાએ ફરી એક વખત એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું રાજકીય અને કાયદાકીય લડાઈનો ભાર શૈક્ષણિક સંસ્થાઓ પર આવવો જોઈએ? જો ગેરરીતિ થઈ હોય તો તેની તપાસ થવી જોઈએ. અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ એ પ્રક્રિયામાં હજારો વિધાર્થીઓના શિક્ષણ અને ભવિષ્યને નુકશાન ના પહોંચે તેની જવાબદારી પણ રાજય સરકારની જ છે.
ભારત જ્યારે વિશ્વગુરુ બનવાની વાત કરે છે ત્યારે વિશ્વગુરુ બનવાનો માર્ગ યુનિવર્સિટીઓ, સંશોધન ,જ્ઞાન અને નવી પેઢીના વિકાસમાંથી પસાર થાય છે. શિક્ષણની સંસ્થાઓને રાજકીય પ્રતીકોમાં ફેરવવાને બદલે તેમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
કાયદો સર્વોપરી છે અને તે સૌ માટે સમાન હોવો જોઈએ પરંતુ કાયદાનો અમલ એવી રીતે થવો જોઈએકે ન્યાય પણ થાય અને જાહેર હિત પણ સુરક્ષિત રહે. રાજ્યની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ સમાજને જોડવામાં, શિક્ષણને પ્રોત્સાહન આપવામાં અને યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં છે.
લોકશાહીમાં સરકારની સૌથી મોટી સફળતા વિરોધીઓને હરાવવામાં નથી. પરંતુ એવી સંસ્થાઓ ઉભી કરવામાં છે જે પેઢીઓ સુધી સમાજને જ્ઞાન,સંસ્કાર અને વિકાસ આપે. બુલડોઝર કરતા પુસ્તકોનું, વિવાદ કરતા શિક્ષણનું અને ધ્વન્સ કરતા નિર્માણનું રાજ વધુ લાંબો સમય ટકે છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રસ્થાને રાખવો એ જ સાચા સુશાસનની ઓળખ બની શકે.





