વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાનાશાહી અને લોકશાહીના તફાવતને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી સ્થાપવા માટે આપણા પૂર્વજો અને સ્વતંત્રતા સેનાનીઓએ વર્ષો સુધી લડાઈ લડી છે. લોકશાહીનો મૂળ આત્મા એ છે કે દેશનો સામાન્ય નાગરિક પોતાની સરકારને પ્રશ્ન પૂછી શકે. પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે તાનાશાહી વલણ અપનાવી રહી છે. આજે દેશમાં NEET સહિત અનેક ભરતી પરીક્ષાઓના પેપરો સતત લીક થઈ રહ્યા છે. યુવાનોનો ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે કે આટલા બધા પેપર લીક થાય છે તો તેનો આખરે જવાબદાર કોણ? બાળક દસમા ધોરણથી લઈને મેડિકલમાં એડમિશન મેળવવા સુધી રાત-દિવસ ઉજાગરા કરે છે અને તેનો આખો પરિવાર મહેનત કરે છે, પરંતુ કૌભાંડીઓના કારણે પેપર ફૂટી જતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. પેપર લીકના કારણે અત્યાર સુધીમાં દેશના ૨૧ નિર્દોષ બાળકોએ આત્મહત્યા કરી લીધી છે, તો શું એનો જવાબદાર કોઈ જ નથી? સોનમ વાંગચૂકજી અને અભિજીત દીપકની આગેવાનીમાં દેશના યુવાનો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે આ વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર ખાતેથી શાંતિપૂર્વક પોતાની વ્યાજબી માંગ સાથે પાર્લામેન્ટ તરફ રજૂઆત કરવા (સંસદ કૂચ) ગયા, ત્યારે પોલીસે તેમના પર પેલેટ ગન ચલાવી, સોંય વાળા દંડા અને ધોકા મારીને અમાનુષી અત્યાચાર કર્યો હતો. આપણા જ દેશના બાળકોને આપણા દેશની સરકાર ધોકા મારે એ જ તો તાનાશાહી છે. ચૂંટણીમાં મત આપનાર વ્યક્તિ જો સરકારને સવાલ પૂછે, તો એ ‘દેશદ્રોહી’ કે ‘દેશવિરોધી’ કઈ રીતે બની જાય? તે ભાજપ સરકારની કાયરતા અને તાનાશાહી દર્શાવે છે.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાનાશાહી કોઈ એક દિવસમાં નથી આવતી પરંતુ તે ધીમે ધીમે સમાજમાં પગપેસારો કરે છે. જો આજે આપણે પેપર લીક જેવા ગંભીર કૌભાંડો, બિસ્માર રોડ-રસ્તાઓ, કથળતી સરકારી હોસ્પિટલો, બગડેલી શિક્ષણ વ્યવસ્થા કે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ ન નોંધાવા જેવા પ્રશ્નો સામે અવાજ નહીં ઉઠાવીએ, તો આગામી સમયમાં આપણે સહુ ગુલામી તરફ ધકેલાઈ જઈશું. તાનાશાહી સામે લડવું એ દેશના એક-એક નાગરિકની જવાબદારી છે. આ લડાઈ કોઈ એક રાજકીય પક્ષ, વડાપ્રધાન કે ભાજપ સામેની નથી, પરંતુ દેશની બંધારણીય વ્યવસ્થા અને લોકશાહીને જીવંત રાખવાની લડાઈ છે. કોઈપણ દેશમાં નેતાઓ કે રાજકીય પક્ષો કાયમી હોતા નથી, પરંતુ દેશ અને સમાજ વ્યવસ્થા અખંડ અને અમર રહે છે. ડરીને શું જીવવાનું? તેથી જ ડર્યા વગર દેશના દરેક નાગરિકે, વડીલોએ અને યુવાનોએ આગળ આવવું પડશે. તેમણે ગુજરાતભરની જનતાને અપીલ કરી છે કે આ સત્ય અને ન્યાયની લડાઈમાં અન્યાયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ માટે જો તમે કશું ન કરી શકો તો ફક્ત વોટ્સએપમાં સ્ટેટસ અને ફેસબૂકમાં પોસ્ટ મૂકીને તેમનો અવાજ બુલંદ કરો અને ખુલ્લું સમર્થન આપો. ડરીને શું જીવવાનું?





