આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા અને તેમના પરિવાર પર ખોટા કેસો કરીને ભાજપે જે રીતે તેમને તુરંત સજા અપાવવાના પ્રયાસો કર્યા હતા, તેમાં આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈના પત્ની શંકુતલાબેન અને અન્ય મળીને કુલ પાંચ લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ સહિત બાકીના લોકોના પણ જામીન મંજૂર થઈ જશે. આ સમગ્ર કેસ તદ્દન ફર્જી બનાવવામાં આવ્યો હતો, જેથી ચૈતરભાઈ ડરી જાય, તેઓ આદિવાસી સમાજનો અવાજ ન બને, આદિવાસી સમાજને જાગૃત ન કરે અને મોટી કંપનીઓને જમીન આપવા સામે જોર-જબરદસ્તીનો મુદ્દો ન ઉઠાવે. ભાજપે આ માટે મોટું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ એ ષડયંત્ર હવે ધ્વસ્ત થઈ ગયું છે. ચૈતરભાઈ અને આદિવાસી સમાજ આ સંઘર્ષમાં વધુ મજબૂત બનીને ઉભરી આવ્યા છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ અને તેમનો પરિવાર એકવાર, બેવાર કે ત્રણવાર જેલમાં જઈ આવ્યા છે. આજે શંકુતલાબેન અને અન્ય બહેનો જેલમાંથી મુક્ત થયા છે, ત્યારે હું તથા માનનીય ગુલાબસિંહજી, વર્ષાબેન, નિરંજનભાઈ અને દયાશંકરભાઈ સહિત અમારી AAP ની ટીમ તેમને લેવા માટે જેલ પર આવ્યા છીએ. અમે આદિવાસી સમાજને વિશ્વાસ અપાવીએ છીએ કે તમારો અવાજ વધુ બુલંદ થશે. ચૈતરભાઈ વસાવા પણ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી લડશે. હું ભાજપને પણ કહેવા માંગુ છું કે, ચૈતરભાઈને વારંવાર જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો તેનાથી તમારું જ નુકસાન થઈ રહ્યું છે. આજે ઉમરગામથી લઈને અંબાજી સુધીના સમગ્ર આદિવાસી સમાજના યુવાનોમાં ભારે રોષ છે. તેથી મહેરબાની કરીને હવે ચૈતરભાઈ વસાવા પર ખોટી FIR કરવાનું કે તેમને જેલમાં નાંખવાના ષડયંત્રો ઘડવાનું બંધ કરો.





