શ્રી ગણેશ વિસર્જનનું પૌરાણિક,આધ્યાત્મિક અને દાર્શનિક રહસ્ય
ભારતીય સંસ્કૃતિમાં ગણેશોત્સવનું સ્થાન અત્યંત વિશિષ્ટ અને ભક્તિમય છે.ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થતો આ દસ દિવસનો પવિત્ર મહોત્સવ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સંપન્ન થાય છે.અત્યંત શ્રદ્ધા,ધામધૂમ અને ઉત્સાહપૂર્વક સ્થાપિત કરવામાં આવેલા વિઘ્નહર્તા ગણેશજીને જ્યારે જળમાં વિસર્જિત કરવામાં આવે છે ત્યારે ભક્તોના હૃદયમાં એકતરફ વિરહની વેદના હોય છે તો બીજી તરફ "ગણપતિ બાપ્પા મોર્યા,આગામી વર્ષે જલ્દી આવો" નો જયઘોષ હોય છે પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે બાપ્પાનું વિસર્જન માત્ર જળમાં જ શા માટે કરવામાં આવે છે? વિસર્જન પાછળ શાસ્ત્રોક્ત કથા કઈ છે અને એનું આધ્યાત્મિક દર્શન શું કહે છે?
પૌરાણિક આધાર: મહર્ષિ વેદવ્યાસ અને ગણેશજીનું મહાભારત લેખન..
ધાર્મિક ગ્રંથો અને પૌરાણિક કથાઓ અનુસાર ગણેશ વિસર્જનની પરંપરાનો સંબંધ મહર્ષિ વેદવ્યાસ અને શ્રી ગણેશજી દ્વારા કરવામાં આવેલા મહાભારત મહાકાવ્યના લેખન સાથે જોડાયેલો છે.જ્યારે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરવાનું વિચાર્યું ત્યારે તેમને એક એવા શ્રેષ્ઠ,તીવ્ર બુદ્ધિ અને એકાગ્રતા ધરાવતા લેખકની જરૂર હતી જે અટક્યા વગર સંપૂર્ણ મહાભારત લખી શકે.તેમણે ભગવાન શ્રી ગણેશજીને આ કાર્ય માટે પ્રાર્થના કરી.ગણેશજીએ એક શરત મૂકી કે જ્યારે તેઓ લખવાનું શરૂ કરશે ત્યારે વ્યાસજીએ
સતત કથા બોલવી પડશે.જો વ્યાસજી અટકશે તો ગણેશજી લખવાનું બંધ કરી દેશે.વ્યાસજીએ આ શરતનો સ્વીકાર કર્યો અને સામે શરત મૂકી કે ગણેશજી પણ દરેક શ્લોકનો અર્થ પૂર્ણપણે સમજ્યા પછી જ તેને લખશે.
ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મહાભારતના લેખનનું આ મહાન કાર્ય શરૂ થયું.મહર્ષિ વેદવ્યાસ બોલતા રહ્યા અને ગણેશજી પૂર્ણ એકાગ્રતા સાથે સતત ૧૦ દિવસ સુધી અહોરાત્ર લખતા રહ્યા.આ દસ દિવસ દરમિયાન ગણેશજીએ સહેજ પણ વિશ્રામ ન લીધો અને એક જ આસન પર સ્થિર બેસી રહ્યા.દસમા દિવસે એટલે કે અલ્પવિરામ વગરના સતત આકરા પરિશ્રમ પછી જ્યારે મહાભારતનું લેખન પૂર્ણ થયું ત્યારે વેદવ્યાસજીએ પોતાની આંખો ખોલી,તેમણે જોયું તો સતત માનસિક શ્રમ અને દૈવી ઉર્જાના અવિરત પ્રવાહને કારણે ભગવાન ગણેશજીના શરીરનું તાપમાન અત્યંત વધી ગયું હતું, તેમનું શરીર ખૂબ તપી ગયું હતું. ગણેશજીના શરીરને તુરંત શીતળતા આપવા માટે મહર્ષિ વેદવ્યાસજીએ તેમના શરીર પર સુગંધિત સોંધી માટી-લેપ લગાવી દીધો પરંતુ સમય જતાં એ માટી સુકાવા લાગી અને માટી સુકાઈ જવાથી ગણેશજીના શરીરમાં જડતા તથા અકડન આવવા લાગી અને માટી ખરવા પણ લાગી.
આથી વેદવ્યાસજી ગણેશજીને નજીકના એક પવિત્ર સરોવર પર લઈ ગયા અને તેમને જળમાં ઉતારીને તેમના શરીરને શીતળ કર્યું. આ દસ દિવસો દરમિયાન વ્યાસજીએ ગણેશજીને તેમની પસંદગીના વિવિધ સ્વાદિષ્ટ અને કલ્યાણકારી આહારો જેવા કે મોદક,દૂર્વા,ફળ આદિ અર્પણ કર્યા હતા,બસ ત્યારથી જ પ્રતીકાત્મક રૂપે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના કરીને દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના, નૈવેદ્ય અર્પણ કરવાની અને અનંત ચતુર્દશીના દિવસે તેમને જળમાં પધરાવી શીતળ (વિસર્જિત) કરવાની પરંપરા વિધિવત રીતે શરૂ થઈ.
જળ તત્વ અને સાકારમાંથી નિરાકારની યાત્રા..
સનાતન ધર્મમાં તમામ દેવી-દેવતાઓની માટીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ કરવાની વિધિ છે. આની પાછળનું ગૂઢ આધ્યાત્મિક કારણ અત્યંત સુંદર છે: પંચતત્વમાં વિલીનીકરણ: આપણું આખું બ્રહ્માંડ અને માનવ શરીર પંચતત્વો પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશનું બનેલું છે.જ્યારે આપણે માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવીએ છીએ ત્યારે તેમાં પ્રાણપ્રતિષ્ઠા દ્વારા દૈવી ચેતનાનો સંચાર કરીએ છીએ.વિસર્જન સમયે માટીથી બનેલી એ મૂર્તિ પુનઃ જળમાં ઘૂળીને પંચતત્વોમાં સમાઈ જાય છે.આ એ વાતનું પ્રતીક છે કે આકાર પામેલી દરેક વસ્તુ અંતે પોતાના મૂળ તત્વમાં જ લીન થાય છે.
સાકારથી નિરાકાર: ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે આ સંસારમાં જેટલી પણ મૂર્તિઓ દેવી-દેવતાઓ કે પ્રાણીઓ છે તે બધામાં હું જ વ્યાપ્ત છું અને અંતે સૌએ મારામાં જ ભળી જવાનું છે. જળને 'નારાયણ'નું રૂપ માનવામાં આવે છે.પાણીમાં મૂર્તિ ઘૂળી જવી એટલે કે સાકાર રૂપે પૂજાયેલા પરમાત્મા હવે નિરાકાર બ્રહ્મમાં એકાકાર થઈ ગયા છે.
જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક: જળનો સીધો સંબંધ જ્ઞાન,બુદ્ધિ અને શાંતિ સાથે માનવામાં આવ્યો છે,જેના સ્વામી સ્વયં ભગવાન ગણેશ છે.જળ પ્રવાહી છે,તે ક્યારેય એક જગ્યાએ અટકતું નથી.ગણેશજીનું જળમાં વિસર્જન એ સંદેશ આપે છે કે જ્ઞાન અને બુદ્ધિ હંમેશાં પ્રવાહી,નિર્મળ અને અહંકારમુક્ત હોવા જોઈએ.
ઐતિહાસિક અને સામાજિક પૃષ્ઠભૂમિ: લોકમાન્ય ટિળકનો રાષ્ટ્રીય સંકલ્પ..
ગણેશ વિસર્જન અને ગણેશોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો એક અગત્યનો ભાગ પણ રહ્યો છે. ઇતિહાસના પાનાઓ તપાસતાં માલૂમ પડે છે કે મહારાષ્ટ્રમાં ઘર-ઘર સુધી સીમિત ગણેશ પૂજાને 'સાર્વજનિક ગણેશોત્સવ'નું વિશાળ સ્વરૂપ આપવાનું શ્રેય મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળકને જાય છે.૧૮૯૩ના સમયગાળામાં જ્યારે અંગ્રેજી હુકુમતે ભારતીયોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે ટિળકજીએ વિચાર્યું કે ભારતીયોને ધર્મ અને આસ્થાના નામે સરળતાથી એકજૂટ કરી શકાય છે.તેમણે ગણેશોત્સવને જાહેર મહોત્સવ બનાવ્યો.જેના કારણે સમાજના તમામ વર્ગો,જાતિઓ અને ભેદભાવો ભૂલીને લોકો એક મંચ પર ભેગા થવા લાગ્યા.૧૦ દિવસ સુધી દેશભક્તિ,સંસ્કૃતિ અને સંગઠનની ચર્ચાઓ થતી અને અંતે ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન કરવામાં આવતું.આ પરંપરાએ ભારતીયોમાં રાષ્ટ્રીય ચેતના અને અંગ્રેજો સામે લડવાની એકતાની શક્તિ પૂરી પાડી.
અનાસક્તિ અને જીવન-દર્શન: મોહમુક્તિનો સંદેશ..
વિસર્જનનો સૌથી મોટો દાર્શનિક અર્થ છે-અનાસક્તિ (Detachment) અને મોહમાંથી મુક્તિ..માનવ સ્વભાવ એવો છે કે તે જે વસ્તુને પ્રેમ કરે છે તેની સાથે બંધાઈ જાય છે.આપણે બાપ્પાની સુંદર મૂર્તિ ઘરે લાવીએ છીએ,તેને પ્રેમથી શણગારીએ છીએ,તેની સેવા કરીએ છીએ અને તેની આકૃતિથી મોહિત થઈ જઈએ છીએ પરંતુ વિસર્જન આપણને શીખવે છે કે જ્યાં સુધી મોહ છે,ત્યાં સુધી મુક્તિ નથી.જે આવ્યું છે તેને જવાનું જ છે.સંસાર એક ચક્રની જેમ ફરે છે-જન્મ-સ્થિતિ અને લય-મૃત્યુ.
વિસર્જન એ સમજાવે છે કે જે પૃથ્વી પરથી આકાર પામ્યું છે તે પુનઃ પૃથ્વી અને જળમાં પાછું જશે. તેથી આપણે મૂર્તિ પ્રત્યેના મોહને પણ વિસર્જિત કરવો પડે છે અને પ્રકૃતિના આ શાશ્વત નિયમને સ્વીકારવો પડે છે.આપણે તેમને વિદાય આપીએ છીએ અને સાથે પ્રાર્થના કરીએ છીએ કે બાપ્પા આવતા વર્ષે ફરી પધારે.
વિધિમાંથી મુક્તિ અને સાધનાનું વિસર્જન..
ધ્યાન અને સાધનાના દ્રષ્ટિકોણથી જોઈએ તો હિન્દુ ધર્મની આ એક અત્યંત સાહસિક અને ગૂઢ દાર્શનિક પરંપરા છે. પહેલાં આપણે માટીમાંથી મૂર્તિ બનાવીએ છીએ. તેમાં ભાવ-શ્રદ્ધા અને દૈવી શક્તિનું આરોપણ કરીએ છીએ.નૃત્ય,ગીત,પૂજા અને ઉત્સવ મનાવીએ છીએ અને પછી પૂર્ણ જાગૃતિ સાથે તેને સમુદ્ર કે નદીના જળમાં વિસર્જિત કરી દઈએ છીએ.આ પ્રક્રિયા આપણને શીખવે છે કે કોઈપણ વિધિ,સાધન કે અનુષ્ઠાન એ માત્ર 'માર્ગ' (Path) છે, 'મંજિલ' (Destination) નથી.વિધિનો ઉપયોગ કરી લો પણ પછી વિધિથી બંધાઈ ન રહો.પરમાત્મા જેવી રીતે આપણને બનાવે છે અને મિટાવે છે,તે જ કળા મનુષ્યે પણ શીખવાની છે-નિર્માણ કરવું અને સમય આવ્યે તેને વિસર્જિત કરી દેવું.
જેમ હોડીનો ઉપયોગ નદી પાર કરવા માટે થાય છે પરંતુ નદી પાર કર્યા પછી હોડીને માથા પર લઈને ફરવાનું નથી હોતું,તેમ જ સાધના કે મૂર્તિપૂજાનો ઉપયોગ પરમાત્માના ભાવને જગાડવા માટે છે, એકવાર તે ભાવ જાગી જાય પછી વિધિ કે સાધન પ્રત્યેની આસક્તિ છોડી દેવાની હોય છે.જ્યારે ફળ પાકી જાય છે ત્યારે તે વૃક્ષ પરથી આપોઆપ ખરી પડે છે,તેવી જ રીતે જ્યારે ધ્યાન અને ભક્તિનો ફળ પાકી જાય છે ત્યારે સાધનાની વિધિઓ પણ ખરી પડે છે અને 'સમાધિ' ફલિત થાય છે. ગણેશ વિસર્જન માત્ર મૂર્તિને પાણીમાં પધરાવવાની ક્રિયા નથી પરંતુ તે જીવનની અનિત્યતા, અનાસક્તિ,પ્રકૃતિ સાથેનો સમન્વય અને પરમાત્મામાં લીન થવાની પ્રક્રિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.તે આપણને શીખવે છે કે ઉત્સવ મનાવો,પ્રેમ કરો,નિર્માણ કરો પરંતુ વિસર્જન માટે પણ હંમેશાં તૈયાર રહો. જ્યારે આપણે ગણેશજીને જળમાં વિસર્જિત કરીએ છીએ ત્યારે આપણે આપણા અહંકાર,મોહ અને નકારાત્મક વિચારોને પણ જળમાં વિસર્જિત કરવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે વિઘ્નહર્તા બાપ્પા આપણા જીવનના તમામ વિઘ્નો હરી લે અને આગામી વર્ષે પુનઃ નવી ઊર્જા સાથે આપણી વચ્ચે પધારે..
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




