આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં સવારથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે રસ્તાઓ તળાવ જેવા બની ગયા છે. કરોડોના વિકાસના દવા કરવામાં આવે છે પરંતુ વરસાદ પડવાની સાથે જ વિકાસની પોલ ખુલી જાય છે. સામાન્ય લોકો પરસેવો પાડીને ટેક્સ આપે છે કારણ કે એ લોકો ઈચ્છે છે કે એમને સારા રોડ રસ્તા સહિત સામાન્ય મૂળભૂત સુવિધાઓ મળે. આજે વાલીઓએ જે હાલાકી ભોગવી છે એ મેં આજ સુધી જોઈ નથી, વાલીઓએ પોતાના બાળકોને લેવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો, અડધો કિલોમીટરથી એક કિલોમીટર દૂર ગાડીઓ પાર્ક કરીને, પાણીમાં અડધા ડૂબીને લોકો પોતાના બાળકોને લેવા માટે ગયા. દર વર્ષે વરસાદ પડ્યા પહેલા ડ્રેનેજની સફાઈ સહિતના મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ વરસાદ આવતા જ શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.
વધુમાં આદમી પાર્ટીના નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે, વાહનો બંધ થાય છે, વેપારીઓને નુકસાન થાય છે, સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો મારે સરકારને પૂછવું છે કે જો દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે તો જવાબદારી કોની છે? શું કોઈ જવાબદારી લેશે? કરોડોની જાહેરાતો થાય છે, માત્ર જાહેરાતોમાં દાવા જ થાય છે, શું જાહેરાતોના દાવાઓથી શહેર ચાલશે? પ્રજાને પરિણામ જોઈએ છે બહાના નહીં. સમય આવી ગયો છે કે જવાબદારી નક્કી થાય અને કાયમી ઉકેલ આવવો જોઈએ. અમદાવાદના લોકો હવે ભાજપના આવા વિકાસથી ત્રાસી ગયા છે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, અધિકારીઓની બેઠકો યોજાય છે, સમીક્ષાઓ થાય છે અને પછી વરસાદ શરૂ થતા જ આખી ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ થઈ જાય છે. શું આ વિકાસ અને ડ્રેનેજની સફાઈ ફક્ત કાગળ પર જ થયા છે કે જમીન ઉપર પણ કોઈ કામ થયા છે?





