(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત.
દેશના કેબીનેટ મંત્રી નિતીન ગડકરીએ લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઇવેના ઉદ્દઘાટન પ્રસંગે તા.૧૩ જુલાઈ ના રોજ જણાવ્યુ હતું કે જો તમારી ગાડીમાં મુસાફરી કરશો તો પાણીથી ભરેલો ગ્લાસ પણ નહીં છલકાય એવા આ દેશમાં હાઈવે બનાવવામાં આવશે એમાંનો આ એક એક્સપ્રેસ હાઈવે એટલે લખનઉ-કાનપુર જે ખુબ જ સુંદર બનાવવામાં આવેલ છે. અને માત્ર ૨૨ મિનિટમાં જ પહોંચી જવાશે. હવે ઉત્તરપ્રદેશની જનતાને ખૂબ જ ઓછા સમયમાં અને સારા એક્સપ્રેસ હાઇવે મળશે. જે એક્સપ્રેસ હાઈવે રૂપિયા ૪૭૦૦ કરોડમાં બનાવવામાં આવેલ છે.
જે લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઈવે અંગે તા.૧૩ જુલાઈએ ટ્રાન્સપોર્ટ મંત્રીએ ખૂબ જ સુંદર કહીને બે મોઢે વખાણ કર્યા હતા. એ જ લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઈવે તા.૨૬ જુલાઈ ના રોજ તૂટી ગયો જેમાં રૂપિયા ૪૭૦૦ કરોડનું આંધણ કરવામાં આવ્યું હતું. એ ઉદ્દઘાટન કર્યાના માત્ર ૧૩ દિવસ બાદ જ જો હાઇવે તૂટી જતો હોય ત્યારે દેશના અન્ય હાઈવેની તો વાત જ શી કરવી?દેશના હાઇવેની હાલતો એટલી હદે ખરાબ છે કે દરેક હાઇવે પર ખાડાઓ પડી ગયા છે જે મોત ને આમંત્રણ આપતા હોય એમ વરસાદમાં પાણી ભરાવાને કારણે રોડ ઉપરના મોટા અને ઊંડા ખાડાઓ દેખાતા નહીં હોવાથી કેટલાય લોકો હાઇવે પર મોતના મુખમાં ધકેલાયા ના બનાવો બન્યા છે અને બની રહ્યા છે.
માત્ર વાતો ના વડા કરનારી આ સરકારના કેબીનેટ મંત્રી નિતીન ગડકરીએ એક પ્રવચનમાં દુબઈનો દાખલો આપતા જણાવ્યું કે દુબઈના શેખે મોદીજીને કહ્યું કે અમને નિતીન ગડકરી જેવા પ્રધાન અહીં મોકલો જેથી અમારા રસ્તા પણ ભારત જેવા સુંદર થાય? આમ કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી હવા-હવાઈ વાતોથી દેશના હાઈવે સુંદર ના બને એમાં ઈચ્છા-શક્તિ, નીતિ પ્રામાણિકતા અને ભ્રષ્ટ કોન્ટ્રાકટરોને જેલની સજા કરવામાં આવશે ત્યારે જ દેશના હાઇવે સુંદર બનશે.
પ્રજા પાસે ઇન્કમટેક્ષ લેતી સરકારે પ્રજાને રોડ-રસ્તાની સુવિધા આપવી તો ફરજિયાત છે. એમાં ઉપરથી ટોલ ટેક્ષ, રોડ ટેક્ષ જેવા અનેક ટેક્ષો લઈને પણ જો પ્રજાને ખાડા-ટેકરા વાળા રોડ જ નસીબ માં લખાયેલા હોય ત્યારે ટ્રાન્સપોર્ટ મંત્રીએ કોઈપણ જાતનું ચોઘડિયું જોયા વગર રાજીનાંમુ આપી સ્વૈચ્છીક રીતે મંત્રી પદ છોડી દેવું જોઈએ.
હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની દેશના કેબીનેટ મંત્રી જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હોવા છતાં પેટ્રોલમાં ૨૦% ઇથોનિલનું મિશ્રણ કરવાની વાત કરે છે ત્યારે સવાલ અહીં એ છે કે નિતીન ગડકરીએ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે પેટ્રોલિયમ મંત્રી નથી છતાં પોતાના સંતાનોને (લોકોને કહેવા મુજબ) ફાયદો કરાવવા પ્રજાની ગાડીઓને ભંગાર બનાવવાના જાણે કે ટ્રાન્સપોર્ટ મંત્રીએ સોગંધ લીધા હોય એમ દેશની પ્રજાને બેવકૂફ સમજીને ૧૦૩ રૂપિયા લીટર પેટ્રોલ આપીશું. અને એમાં ઇથોનિલ મેળવી શું તો પ્રજા પેટ્રોલ તો ભરાવવાની જ છે. આ જ માનસિકતાથી ઇથોનિલ ખુલ્લે આમ મિશ્રણ કરી સરકાર ધૂમ નફો કમાઈ રહી છે.
જો સરકાર એક લીટર પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૩ થી ૧૧૦ રૂપિયા લેતી હોય અને છતાં એ ભેળસેળવાળું પેટ્રોલ આપતી હોય તો એવી સરકાર અને એવા મંત્રીએ તાત્કાલિક ગાદી છોડી દેવી જોઈએ. જે ઇથોનિલ ભરાવવાથી પ્રજાની ગાડીઓના એન્જિન જલ્દી ખરાબ થઈ જતાં હોય, ગાડીઓના માઇલેજ ઓછા આવતા હોય , ઉપરથી નવી ગાડીઓ ભંગાર થઈ રહી હોય ત્યારે પ્રજાએ અવાજ ઉઠાવવા જાહેરમાં આવવું જ જોઈએ અને એક હથ્થું તાનાશાહી, સરમુખત્યાર શાહી અને જુલ્મખોર સરકાર સામે અવાજ ઉઠાવી એમના રાજીનામાં લઈને એમને ઘર ભેગા કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે જો નિષ્ફળ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CJP ના આંદોલનના ૨૫માં દિવસે રાજીનામું આપવું પડતું હોય ત્યારે અહીં તો દેશના લાખો વાહન ચાલકોની ગાડીઓને થતાં નુકશાન નો સવાલ છે ત્યારે નિતીન ગડકરીએ પણ ધર્મેન્દ્ર પ્રધાન ના પગલે ચાલી કેબીનેટ પદ છોડવું એજ દેશહિતમાં છે.
આમ એક બાજુ રોડ ટેક્ષ, ટોલ ટેક્ષ લઈને પણ જો સારા હાઇવે-રોડ, બ્રિજ જેવી સુવિધાઓ પ્રજાને ના આપી શકતા હોય ત્યારે એ વાત સ્પષ્ટ છે કે સરકાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટાચારી ઉદ્યોગપતિઓને સાચવીને પ્રજાને બેફામ લૂંટી રહી છે. જે રીતે રોડ-રસ્તાઓથી પ્રજાને નુકશાન છે એમ જ ઇથોનિલ ભેળવી વેચાતા પેટ્રોલથી ગરીબ માણસોને ખેડૂતો અને આમ સામાન્ય જનતાને ખરાબ રોડ-રસ્તા અને ભેળસેળીયા પેટ્રોલથી વાહનોના રિપેરિંગના ખર્ચા વધી જતાં મોંઘવારીમાં પડતા પર પાટુ મારવા જેવો ઘાટ સરકાર કરી રહી છે. જો રસ્તાઓ સારા ના આપી શકતા હોય તો રોડ ટેક્ષ બંધ કરી દો તથા ટોલ ટેક્ષ બંધ કરી દો. આ બાબતે પેટ્રોલમાં ઇથોનિલ ભેળવવાના વિરોધમાં ૩૧ જુલાઈ એ ઈન્ડિયા ગેટ પર “ગાડી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરાત RTI એકટીવિસ્ટ તહસીન પુનાવાલાએ કરી છે અને માંગણી કરી છે કે E ૧૦ વાહનોને જ E ૧૦ પેટ્રોલ આપવામાં આવે, બધાને નહીં, શુધ્ધ પેટ્રોલનો ભાવ હાલમાં રૂપિયા ૧૬૫ થી ૧૭૦ રૂપિયા પ્રતિ લીટર છે. એમાં ઘટાડો કરવામાં આવે. આ પેટ્રોલ ૮૦ થી ૯૦ રૂપિયા પ્રતિ લીટર આપી શકાય એમ છે.





