લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ, સંસદમાં ભારે હંગામો વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી.” આ ટિપ્પણીથી સંસદમાં ભારે હોબાળો મચ્યો લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને સત્તાપક્ષ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ, પેપર લીકના મુદ્દા અને નવા શિક્ષણ મંત્રીને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેમના નિવેદન બાદ ભાજપના સભ્યોએ કડક વિરોધ નોંધાવતા ગૃહમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ચર્ચાની શરૂઆતમાં વિપક્ષની માંગને ધ્યાનમાં રાખીને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બિલ પર ચર્ચાનો સમય ૬ કલાકથી વધારીને ૧૦ કલાક કર્યો હતો. ત્યારબાદ ચર્ચામાં ભાગ લેતાં પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે પેપર લીકની ઘટનાઓના કારણે દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમમાં મુકાયું છે, છતાં અત્યાર સુધી જવાબદારો સામે અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમણે દાવો કર્યો કે સરકારની નીતિઓના કારણે શિક્ષણ વ્યવસ્થા નબળી પડી રહી છે અને યુવાનોનો વિશ્વાસ ઘટી રહ્યો છે.
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી અંગે પણ ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી બળાત્કાર પીડિતાના કેસમાં દોષિતોની મુક્તિ અંગે સંમતિ આપી હતી. આ નિવેદન બાદ ભાજપના સાંસદોએ જાેરદાર વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. સ્થિતિ વણસતાં લોકસભાના અધ્યક્ષે દરમિયાનગીરી કરીને ગૃહમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આ પ્રકારની ટિપ્પણી નવા શિક્ષણ મંત્રીના ચારિત્ર્યહનન સમાન છે. તેમણે માંગ કરી હતી કે આ નિવેદનને સંસદના સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે જાે આ આરોપને સમર્થન આપતા પુરાવા રજૂ ન કરી શકાય તો પ્રિયંકા ગાંધીએ ગૃહમાં માફી માંગવી જાેઈએ.
ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સરકારને પ્રશ્ન કર્યો કે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવાનો આદેશ કોણે આપ્યો હતો. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ સંવાદથી આવવો જાેઈએ, દમનથી નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદ સમગ્ર દેશની છે અને અહીં યુવાનોના ભવિષ્ય સાથે જાેડાયેલા પ્રશ્નો પર ગંભીરતાથી ચર્ચા થવી જરૂરી છે.પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલી જાેવા મળી હતી. બિલ પર ચર્ચા આગળ વધતી રહી, પરંતુ શિક્ષણ મંત્રી અંગેની ટિપ્પણીને લઈને સર્જાયેલો વિવાદ સમગ્ર કાર્યવાહીનું કેન્દ્રબિંદુ બની રહ્યો.





