નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ભાજપના ગઢમાં સખત ગાબડું પાડ્યું છે. મતગણતરીના અંતે AAP ના ઉમેદવાર પ્રવીણ વસાવાને 2371 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1565 મત મળતા તેમનો 806 મતોથી કારમો પરાજય થયો છે. નોંધનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા હાજર ન હોવા છતાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકજૂથ થઈને કરેલી ભારે મહેનતના જોરે આ સીટ પર જીતનો પરચમ લહેરાવ્યો છે, જેને જનતાનો ભાજપ સરકાર સામેનો ભારે આક્રોશ માનવામાં આવી રહ્યો છે.
આ ભવ્ય જીત બાદ નર્મદા જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે ભાજપે પૈસા, દારૂ, સાંસદો અને ધારાસભ્યો સહિત સમગ્ર પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કર્યો હતો. અમારા કાર્યકર્તાઓને ડરાવવા-ધમકાવવા અને ખોટા કેસોમાં ફસાવવાના ષડયંત્રો રચાયા હોવા છતાં બિલોઠીની જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ જીત તો માત્ર શરુઆત અને સેમીફાઇનલ છે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતા આ જ રીતે ભાજપનો સંપૂર્ણ સફાયો કરીને પરિવર્તન લાવશે.
આ ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આજે નેત્રંગની બિલોઠી તાલુકા પંચાયત સીટમાં પર આયોજિત પેટા ચૂંટણીના પરિણામો આવ્યા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ વસાવાએ 806 મતોના માર્જિનથી જીત મેળવી. અમે બિલોઠી તાલુકા પંચાયતના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ, લોકો એમને ખૂબ જ સાથ સહકાર આપ્યો. ચૈતરભાઈ વસાવા આજે જેલમાં છે અને એનો જવાબ આજે જનતાએ આપ્યો છે. તમામ લોકોએ ખૂબ જ મહેનત કરી અને આવનારા સમયમાં આપણે આ જ રીતે તમામ લોકો મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ.





