અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો સંદર્ભે કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે વિરમગામ તાલુકાના થુલેટા ગામે આવેલા ચેક ડેમના મૂળ સ્ટ્રક્ચરને કોઈ જ નુકસાન થયું નથી.
વિરમગામ વિસ્તારમાં ૧૦ ઈંચ અને ઉપરવાસમાં ૮ ઈંચથી વધુ ભારે વરસાદને કારણે બંધમાં ક્ષમતા કરતાં બમણી પાણીની આવક થઈ હતી. સમયસર ગેટ ખોલવામાં આવ્યા હોવા છતાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગેટ સ્ટ્રક્ચરની બાજુના પાળાનું ઓવરટોપિંગ થતાં પાળાનું થોડું ધોવાણ થયાનું શ્રી વર્માએ જણાવ્યું હતું.
પરિણામે, તાત્કાલિકરૂપે તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં પાંચ ગામને અગાઉથી જાણ કરીને સમયસર સુરક્ષિત સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના ત્વરિત પગલાંના કારણે કોઈ જાનહાનિ કે મોટી હોનારતને નિવારી શકાય છે. હાલ પાણીનું લેવલ ઘટતાં જ આગામી એક-બે દિવસમાં ધોવાયેલા પાળાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.





