આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સના આધારે દેશની શિક્ષણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પરંતુ આપણા ગુજરાતના લોકોને ખૂબ જ દુઃખ થવું જોઈએ કારણકે દેશના 784 જિલ્લાઓમાંથી 116 જિલ્લામાં ગુજરાતના એક પણ જિલ્લાનું ક્યાંય નામ નથી. હવે આની જવાબદારી કોણ લેશે? જે ત્રણ રાજ્યો મોખરે છે, એ છે દિલ્હી, પંજાબ અને કેરળ. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ક્રાંતિકારી શિક્ષણના કામો કર્યા પરંતુ ભાજપ જ્યાં 10-20 વર્ષથી વધુ સમયથી રાજ કરી રહ્યું છે તેના એક પણ જિલ્લાનું નામ નથી. ભાજપના નેતાઓ ઇચ્છતા નથી કે વિદ્યાર્થીઓ સારું ભણે કારણ કે બાળકો ભણશે તો સવાલ કરશે અને એ આ અભણ લોકોને ગમશે નહીં. કરોડો રૂપિયાના ખર્ચે પ્રવેશોત્સવ, ગુણોત્સવમાં કાર્યક્રમ કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે ચોપડીઓ પણ પહોંચી નથી હોતી. જે લોકો એક કોલેજ ચલાવવાની હેસિયત નથી ધરાવતા એ લોકો આખી યુનિવર્સિટી લઈને બેઠા છે. સ્કિલ અને ઇનોવેશનની ફક્ત વાતો થાય છે પરંતુ સ્કિલ કોની ડેવલપ થાય છે?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, હવે ગુજરાતની અસ્મિતા બચાવવા માટે આપણે તમામ લોકોએ જાગવું પડશે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આજે આપણે લાખો રૂપિયાના ખર્ચે પોતાના બાળકોને ભણાવી રહ્યા છીએ. મોટા મોટા લોકો તો પોતાના દીકરા દીકરીઓને વિદેશમાં મોકલી દેશે પરંતુ આપણા દેશમાં સામાન્ય વર્ગ અને ગરીબ લોકો માટે કેવી હાલત છે? આજે વિદ્યાર્થી ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, અને જો હજી પણ આપણે જાગીશું નહીં તો જે વિનાશ અને નુકસાન થઈ રહ્યું છે એના જવાબદાર ફક્ત આપણે લોકો હોઈશું. તો આપણે વિચારવું પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. દેશનું GenZ જાગી ગયો છે એ સાચી પરિસ્થિતિ સમજી રહ્યો છે અને એ આનંદનો વિષય છે. દુનિયાની ટોપ 100 યુનિવર્સિટીમાં દેશની કોઈ યુનિવર્સિટી નથી. તો આ શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે આપ સૌનો સાથ સહકાર જોઈએ છે, શિક્ષણના ચિંતકોએ, વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ સાથે મળીને શાલીનતાપૂર્વક એક આંદોલન અને ક્રાંતિ લાવવી પડશે. શિક્ષાનો પાયો મજબૂત હશે તો બાકી તમામ વસ્તુઓ આપોઆપ ઠીક થશે.





