રેડ એલર્ટને ધ્યાનમાં રાખી લેવાયો ર્નિણય વડોદરા શહેર જિલ્લામાં આજે પણ તમામ સ્કૂલ કોલેજમાં રજા જાહેર ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરે ર્નિણય લીધો : ૧ ઓગસ્ટે પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. શહેરના નીચાણવાળા અને અનેક મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આશંકા અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે.
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આવતીકાલે, ૧ ઓગસ્ટના રોજ પણ શહેર અને જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ (સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલો અને કોલેજાે) માં રજા જાહેર કરવામાં આવી છે. રેડ એલર્ટ દરમિયાન વિદ્યાર્થીઓને શાળા-કોલેજે આવવા-જવામાં કોઈ અણબનાવ ન બને અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ ર્નિણય લેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરના આ આદેશનું તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાે કોઈ પણ શાળા કે કોલેજ આ જાહેરનામાનો અનાદર કરીને સંસ્થા ખુલ્લી રાખશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ધોધમાર વરસાદના કારણે વડોદરાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના અલકાપુરી, સયાજીગંજ, સમા, રાવપુરા, માંજલપુર, અકોટા, ગોરવા, હરણી અને મક્કરપુરા તેમજ બાજવા, કોયલી અને દશરથ સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો, વાઘોડિયામાં ધોધમાર વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી. વાઘોડિયાના પીપળીયા, ગોરજ, રૂસ્તમપુરા, નિમેટા અને આજવા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.
શિવકૃપા, પરિશ્રમ અને શ્રમ સાધના સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું.
આ ઉપરાંત સાવલી, ટૂંડાવ, ગોઠડા અને મુંવાલમાં વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. ડભોઈના ટાવર બજાર, જૈન વાગા અને એસટી ડેપો વિસ્તાર તેમજ શિનોરમાં રાત્રિ દરમિયાન ૧.૪૯ ઈંચ વરસાદ નોંધાયો હતો, જેથી સમગ્ર પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી.





