આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, દુનિયાના જે દેશોએ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે, તેઓ આજે વિકસિત દેશો બન્યા છે. પરંતુ ગુજરાતમાં દરરોજ શિક્ષકોનું મનોબળ તોડે તેવા સમાચારો આવે છે. તાજેતરમાં શિક્ષકોને ’શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નોડલ ઓફિસર તરીકેની કામગીરી સોંપાઈ છે, જેના પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, હવે શાળામાં માત્ર કચરા-પોતા સિવાયની તમામ જવાબદારીઓ શિક્ષકોને આપી દેવામાં આવી છે. કોઈપણ સરકારી કાર્યક્રમો હોય, વહીવટી કાગળો અને રિપોર્ટિંગ પૂરા કરવાના હોય, અપડેટ કરવાના હોય, ચૂંટણીલક્ષી કામગીરી, જનગણના કે મતદાર યાદી સુધારણા હોય – આ બધું મળીને ભણાવવા સિવાયના લગભગ ૭૦ થી ૮૦ જેટલા કામો શિક્ષકોના માથે મઢી દેવાયા છે. જો કરોડો રૂપિયા પ્રજાના ટેક્સમાંથી ખર્ચાય છે, તો આ બધી નોન-એકેડેમિક કામગીરી માટે સરકાર અલગ કોઓર્ડિનેટર્સ કે નોડલ ઓફિસર્સની નિમણૂક કેમ કરતી નથી? શિક્ષકોને જ આ કામોમાં રોકી રાખવાથી શિક્ષણ વ્યવસ્થા અને તેની ગુણવત્તાનું ભારે અધઃપતન થયું છે, જેના કારણે વિશ્વની ટોચની ૧૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ નથી અને દેશમાં ગુજરાત પણ ઘણું પાછળ રહી ગયું છે.
તેમનો વિડીયો ખાસ કરીને ‘ઝેન ઝી’ (Gen Z) અને ‘ઝેન આલ્ફા’ (Gen Alpha) વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની અપીલ કરતાં હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, આપણે આજે એડવાન્સ ટેકનોલોજીની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ નવી પેઢીને કૌશલ્ય (સ્કિલ) અને ઇનોવેટિવ શિક્ષણ આપવા માટે શિક્ષકોએ પોતે પણ અપગ્રેડ (એલિવેટ) થવું પડશે. ૧૦ વર્ષ પહેલાં જે રીતે ભણાવવામાં આવતું હતું તે રીતે આજે ભણાવી શકાય નહીં. એ માટે શિક્ષકોને પૂરતો સમય, માનસિક સ્પેસ અને વાતાવરણ આપવું પડે, જેથી તેઓ બાળકોને વધુ સારી રીતે પ્રેરિત કરી શકે અને શિક્ષણને પરિવર્તનકારી (ટ્રાન્સફોર્મેટિવ) બનાવી શકે. સરકારમાં બેઠેલા ભણેલા-ગણેલા નેતાઓને વિનંતી છે કે તેઓ બુદ્ધિજીવીઓ અને શિક્ષણવિદોની સલાહ લઈને નિર્ણયો લે, માત્ર હુકમો અને આદેશો આપવાનું બંધ કરે. નવી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ‘લોકશાહી બચાવો, સંવિધાન બચાવો અને શિક્ષણ બચાવો’ના નારા સાથે તેમણે ઉમેર્યું કે શિક્ષણ બચશે તો જ ગુજરાત અને ભારતની અસ્મિતા જળવાઈ રહેશે.




