આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક રસપ્રદ બાબત સામે લાવતા જણાવ્યું હતું કે, નર્મદામાં વન વિભાગના કર્મચારીઓની દાદાગીરી અને ઉદ્ધત વર્તન ખુલ્લું પડી ગયું છે. ભાજપના જ સાંસદ મનસુખ વસાવા સાથેની વાતચીત દરમિયાન વનકર્મીઓએ જે ગાળાગાળી કરી છે, તે એ વાતની સાબિતી છે કે તેમની હિંમત કેટલી વધી ગઈ છે. આ ઘટના પરથી ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારોમાં આ વનકર્મીઓનું સામાન્ય જનતા સાથેનું વર્તન કેટલું ખરાબ અને દાદાગીરી ભર્યું હશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હિત માટે વન વિભાગ અને વનકર્મીઓ સામે અનેક લડાઈઓ લડી છે. આ ઘટનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવા સંપૂર્ણ સાચા હતા અને તેમના પર કરવામાં આવેલા કેસ તદ્દન ખોટા છે. વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ ઉઠાવવા બદલ સરકારે તેમને જેલમાં પૂર્યા છે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ લડાઈ માત્ર ભાજપ સામે જ નહીં, પરંતુ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા સામેની છે. તેમણે ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ વિનંતી કરતા જણાવ્યું હતું કે જો તેમણે આવી રીતે વનકર્મીઓની ગાળો ન ખાવી હોય તો ભારતીય જનતા પાર્ટી છોડીને આદિવાસીઓના સમર્થનમાં લડાઈ લડે. તેમણે મનસુખ વસાવાને ચૈતર વસાવા બનવાની કોશિશ કરવાની સલાહ આપતા કહ્યું કે, ભાજપમાં રહીને ક્યારેય આદિવાસીઓનું ભલું થવાનું નથી તે વાત ચોક્કસ છે.





