પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કરસન ઘાવરીની સલાહ જસપ્રિત બુમરાહને ૧ વર્ષ માટે આરામ આપી દો ઘાવરીનું માનવું છે કે બુમરાહને વારંવાર ઉતાવળમાં મેદાન પર ઉતારવાને બદલે તેને લાંબો બ્રેક આપવો જાેઈએ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વધુ એક વખત ઈજાના ગંભીર કારણોસર ક્રિકેટિંગ એક્શનથી દૂર થઈ ગયો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થયેલી ઈજામાંથી તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી. જેના કારણે તેને શ્રીલંકા સામેની આગામી ૨ ટેસ્ટ મેચની સિરીઝમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યા છે. બુમરાહની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબીને ૧૫ ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કરસન ઘાવરીએ બુમરાહની લાંબી કારકિર્દી માટે BCCI અને ટીમ મેનેજમેન્ટને એક મોટી સલાહ આપી છે. ઘાવરીનું માનવું છે કે બુમરાહને વારંવાર ઉતાવળમાં મેદાન પર ઉતારવાને બદલે ૫ થી ૬ મહિના અથવા જાે જરૂર પડે તો પૂરા ૧ વર્ષનો લાંબો બ્રેક આપવો જાેઈએ, જેથી તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ શકે.
બે વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કરસન ઘાવરીએ સ્પષ્ટ કર્યું કે ૫૦ અથવા ૬૦ ટકા ફિટ ખેલાડીને ક્યારેય ટીમમાં સામેલ કરવો જાેઈએ નહીં. અડધા ફિટ ખેલાડીઓ જ્યારે મોટી સિરીઝમાં મેદાન પર ઉતરે છે ત્યારે વર્કલોડ વધવાને કારણે તેમનું શરીર સાથ છોડી દે છે. આનાથી મેચ દરમિયાન ટીમનું આખું સંતુલન બગડે છે, જે દેશ અને ખેલાડી બંને માટે મોટું નુકસાન સાબિત થાય છે.
૭૫ વર્ષીય પૂર્વ ક્રિકેટરે બુમરાહ માટે ત્રણેય ફોર્મેટ સતત રમવાને અવ્યવહારુ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે બુમરાહનો ઉપયોગ મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટમાં થવો જાેઈએ, કારણ કે આ ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ફોર્મેટ છે. સતત આઈપીએલ (IPL), ટી૨૦ અને વનડે રમવાથી શરીર પર ભારે દબાણ આવે છે, જેને લાંબા સમય સુધી સહન કરવું મુશ્કેલ બને છે.
કરસન ઘાવરીએ અનુભવી બોલરો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને ફરીથી ભારતીય ટીમમાં તક આપવાની માંગ કરી છે. તેમના મતે આ બંને ખેલાડીઓ સતત ફિટ રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમની વાપસીથી જસપ્રિત બુમરાહ અને અન્ય યુવા બોલરો પરથી વર્કલોડનું દબાણ ઘટી જશે અને ટીમ વધુ મજબૂત બનશે.





