૯ છગ્ગા અને ૪૯ બોલમાં સદી ફટકારી બાંગ્લાદેશ સામે એશિયન ગેમ્સમાં શેફાલી વર્માની તોફાની બેટિંગ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ બાંગ્લાદેશી બોલરોની બરાબરની ધોલાઈ કરી
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પહોંચવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ બાંગ્લાદેશી બોલરોની બરાબરની ધોલાઈ કરીને મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો. શેફાલીએ વિસ્ફોટક અંદાજમાં અણનમ સદી ફટકારીને આ મહત્વપૂર્ણ મેચમાં ટીમ ઈન્ડિયાને અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે.
શેફાલી વર્માએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને બાંગ્લાદેશના બોલરોને જરાય સ્થિર થવા દીધા નહોતા. તેણે ૨૦૪.૦૮ની શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતા માત્ર ૪૯ બોલમાં અણનમ 100* રન બનાવ્યા હતા. શેફાલીની આ ધમાકેદાર ઈનિંગમાં ૩ ચોગ્ગા અને ૯ ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને સારી શરૂઆત મળી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે ૭૨ રન જાેડ્યા હતા. સ્મૃતિ ૩૭ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી અને ત્યારબાદ બીજી વિકેટ પણ સસ્તામાં પડી ગઈ હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૫ બોલમાં ૯૪ રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી, જેમાં હરમનપ્રીતે ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. શેફાલીની તોફાની બેટિંગના દમ પર ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૫ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
મહિલા T20I એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
લૌરા વોલ્વાર્ટ (દક્ષિણ આફ્રિકા) – ૮૨૪ રન (૨૦૨૬)
શેફાલી વર્મા (ભારત) – ૮૧૫ રન (૨૦૨૬)
નતાશા માઇલ્સ (હોંગકોંગ) – ૮૦૦ રન (૨૦૨૬)
ઇશા ઓઝા (UAE) – ૭૭૯ રન (૨૦૨૫)
યાસ્મિન દાસવાની (હોંગકોંગ) – ૭૭૯ રન (૨૦૨૬)
સ્મૃતિ મંધાના (ભારત) – ૭૬૩ રન (૨૦૨૪)




