અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સોલામાં ભુવાએ ૧૫ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં સમગ્ર કરતૂત સામે આવ્યું અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે એક યુવતી ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે પોતાની બીમાર દીકરીને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના આશાયે ઘરે બોલાવેલા ભુવાએ વિધિના બહાને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં આ સમગ્ર કરતૂત સામે આવ્યું છે, જેના આધારે સોલા પોલીસે ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.સોલા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર, પરિવારે પોતાની બીમાર દીકરીને સાજી કરવા માટે પોતાના જ સમાજના અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા ભુવો ચંદ્રેશ પંચાલ પર વિશ્વાસ મૂકી તેને ઘરે બોલાવ્યો હતો. આરોપી ચંદ્રેશ પંચાલે બીમારી મટાડવા અને વિધિ કરવાના બહાને યુવતીના પોતાના ઘરે જ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી ભુવાએ પોતાના ઘરે પણ યુવતીને લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.માતા-પિતા અંધશ્રદ્ધામાં આવીને એવું જ માનતા હતા કે ભુવો તેના જ સમાજનો હોવાથી સારું કામ કરશે, પરંતુ તેમને ભુવાની દાનત વિશે કોઈ શંકા નહોતી. જાેકે, આરોપી ભુવાએ યુવતી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેતાં સમાજના લોકો મારફતે આ વાતની જાણ પરિવાર સુધી પહોંચી હતી. પરિવારે દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. હાલ પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.





