આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને સુરત મનપાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગઈકાલે સુરતમાં જે ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી એના સાત દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ પત્ર લખીને માંગ કરી હતી કે સુરત શહેરના તમામ નવ ઝોનમાં ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવે. જેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સામાન્ય દરે ફૂડ ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કોઈપણ ખાદ્ય પદાર્થનો ટેસ્ટ કરાવી શકે. ગઈકાલે સુરતના મેયરના વોર્ડમાં એક ઘટના બની. એક પરિવારે હોટલમાંથી જમવાનું મંગાવ્યું અને તેઓ ફૂડ પોઈઝનિંગના ભોગ બન્યા અને પાંચ વર્ષની દીકરીનું મૃત્યુ થયુ. અમે સાત દિવસ પહેલા આ મુદ્દે ગંભીરતા દાખવી હતી. અમે ચૂંટણી સમયે પણ લોકોને વચન આપ્યું હતું કે આમ આદમી પાર્ટીના મેયર બનશે તો અમે આરોગ્ય બાબતે ગંભીર બનીશું અને સુરતના તમામ નવ ઝોનમાં અમે ફૂડ ટેસ્ટ લેબોરેટરી બનાવીશું, જેથી લોકોની ચિંતા દૂર થાય. પરંતુ ભાજપના શાસકો આ બાબતની ગંભીરતા સમજતા નથી. કોઈપણ ઘટના બને કે કોઈનું મૃત્યુ થાય પછી જ ભાજપના શાસકો જાગે છે, પછી નાની નાની હોટલો કે દુકાનોમાં આરોગ્ય વિભાગ રેડ પાડશે અને આપણને બતાવવાનો પ્રયાસો કરશે કે આરોગ્ય વિભાગ સતર્ક છે પરંતુ હકીકતમાં એવું નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, તક્ષશિલાની ઘટના યાદ કરો, જેમાં 23 જેટલા નાના નાના બાળકો હોમાઈ ગયા, ત્યારબાદ તંત્રનું ફાયર વિભાગ જાગ્યું, ખાડી પૂરમાં 40-42 લોકો મૃત્યુ પામ્યા, એના દસ દિવસ પછી હવામાન વિભાગે કહ્યું કે “ફરી એકવાર ભયંકર વરસાદ આવવાનો છે” ત્યારે તંત્ર સફાળુ જાગ્યું પરંતુ અમારો સવાલ છે કે કોઈ ઘટના બને એની પહેલા ભાજપના અને તંત્રના લોકો કેમ જાગતા નથી? નાની બાળકી મૃત્યુ પામી એટલા માટે હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું, તો હવે સવાલ છે કે આપણે ક્યારે જાગીશું? આપણે ક્યારે તંત્રને સવાલ પૂછીશું? ભાજપના શાસકો ક્યારે જાગશે? શું ભાજપના શાસકો દર વખતે એવું જ વિચારશે કે કોઈનું મૃત્યુ થાય તો જ ગંભીર થવાનું બાકી ગંભીર થવાનું નહીં? આ સવાલ આપણે આપણી જાતને પણ પૂછવો પડશે અને ભાજપના શાસકોને પણ આ સવાલ પૂછવો પડશે કે શું ભાજપના શાસકો અમારી મૃત્યુ થવાની રાહ જોઈને બેઠા છે?





