આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ વિડીયોના માધ્યમથી રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વારંવાર સાબિત કરી રહી છે કે તે તદ્દન વિદ્યાર્થી વિરોધી સરકાર છે. ગુજરાતમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ જે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં એડમિશન લીધું છે, તેમને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ૩,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયની રકમમાંથી વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ, યુનિફોર્મ અને જરૂરી સ્ટેશનરી જેવી વસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ હાલમાં શાળાનું નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી સરકારે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ ત્રણ હજાર રૂપિયા ચૂકવ્યા નથી.
’આપ’ ના વિધાર્થી નેતા ધાર્મિક માથુકિયાએ વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણે કેવા ગુજરાતમાં રહીએ છીએ જ્યાં ભાજપ અને નરેન્દ્ર મોદીની સભાઓ તથા રેલીઓમાં સરકારી ધન અને પ્રાઈવેટાઈઝેશનના લાખો-કરોડો રૂપિયાનો બેફામ ઉપયોગ થાય છે, પરંતુ ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓને આપવા માટે સરકાર પાસે ત્રણ હજાર રૂપિયા નથી. આ બાબત દર્શાવે છે કે સરકારની માનસિકતા જ વિદ્યાર્થી વિરોધી છે. અમારી સરકાર અને સંબંધિત અધિકારીઓને વિનંતી અને કડક માંગણી છે કે RTE હેઠળના વિદ્યાર્થીઓને વાર્ષિક ૩,૦૦૦ રૂપિયાની સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે. જો આ નાણાં તાત્કાલિક નહીં ચૂકવાય, તો ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી બહાર નીકળી એક-એક રૂપિયાની ભીખ માંગીને વિરોધ પ્રદર્શિત કરશે અને પોતાના હક્કના પૈસા મેળવશે.





