આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે પરંતુ દારૂની હોમ ડિલિવરી પણ થાય છે. ગુજરાતમાં દારૂની સાથે સાથે ડ્રગ્સ, ચરસ, ગાંજો વેચાય છે ગુજરાતમાં નકલી દારૂની ફેક્ટરીઓ પણ પકડાય છે અને આ નશાના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. 2022માં લઠ્ઠાકાંડ થયો ત્યારે તપાસના નામે એસઆઇટીની રચના કરવામાં આવી પરંતુ અંતે ગુનેગારો ક્યાંકને ક્યાંક છૂટી જાય છે. જ્યારે અનેક પરિવારોએ અને ખાસ કરીને બાળકોએ અનાથ બનીને જિંદગી વિતાવી પડે છે. ગુજરાતમાં દર વર્ષે 10,000 કરોડનો દારૂ ઠલવાય છે. ગુજરાતના બોર્ડરના રાજ્યોમાં જે ગામડાઓ હોય છે ત્યાં દારૂના ઠેકાઓ માટે કરોડોનો ભાવ બોલતો હોય છે કારણ કે ક્યાંકને ક્યાંક એ બોર્ડરના ગામોમાંથી ગુજરાતમાં દારૂ આવે છે. અમારું માનવું છે કે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર આમાં મળેલું હોઈ શકે તો જ આ ધંધો ચાલતો હોય. પોલીસ તંત્ર અને સરકાર એકવાર ધારી લે કે એ ગુજરાતમાં એક ટીપુ પણ દારૂ નહીં આવે તો ગુજરાતમાં દારૂ આવવાનું બંધ થઈ જાય.
વધુમાં આદમી પાર્ટીના નેતા કરન બારોટ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પત્રકારો કે સામાન્ય નાગરિકો દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજા મુદ્દે અવાજ ઉઠાવે છે, ત્યારે એ બુટલેગર વિરુદ્ધ એફઆઇઆર થવાની જગ્યાએ અવાજ ઉઠાવનાર વ્યક્તિ સામે એફઆઇઆર થતી હોય છે. ઘાટલોડિયામાં એક જગ્યાએ દારૂ વેચાતો હતો ત્યારે પત્રકારે અવાજ ઉઠાવ્યો તો એ પત્રકાર પર જ એફઆઇઆર થઈ ગઈ. તો આવું ગુજરાત કોણે બનાવ્યું? ગુજરાતમાં દારૂબંધી કડકમાં કડક રીતે લાગુ કરવાની હતી પરંતુ લાગુ થઈ નહીં. કહેવામાં આવે છે કે પીએસઆઇ કે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે તો એનો મતલબ એ છે કે અત્યાર સુધી દારૂ વેચાતો હતો, બધાને ખબર હતી કે આમાંથી માલ મલાઈ મળે છે અને એ માલ મલાઈ કમલમ સુધી પહોંચે છે. આમ આદમી પાર્ટી હમેશા દારૂબંધીનો મુદ્દો મજબૂતાઈથી ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જનતા રેડ કરીને સાબિત કર્યું છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા અને જે પરિવારો અનાથ થયા એમના મુદ્દે આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે અને રજૂઆત કરશે. આવતીકાલે અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરીને રજૂઆત કરવામાં આવશે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવશે કારણકે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ગુજરાતમાં આજે મંત્રીઓ રિલ બનાવવામાં વ્યસ્ત છે પરંતુ જવાબદારી નથી નિભાવી રહ્યા. પ્રગતિ કરવાની જગ્યાએ યુવાનો દારૂ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ દારૂના કારણે અકસ્માતો વતી રહ્યા છે. જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જનતા માટે લડતી રહેશે.





