(છગનલાલ મેઘાડા દ્વારા)
સમગ્ર ગુજરાત માં ભારે ચર્ચાસ્પદ બનેલી ભાવનગર ની ડુપ્લિકેટ વિદેશી દારૂ ની ઘટના અને એમાં થયેલા સાત વ્યક્તિઓના મોત બાદ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા ભાવનગર ખાતે જઈ સ્થળ તપાસ કરાયા બાદ આ હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડ અંગે ૨૧ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. અને ૧૩ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૩ આરોપી ઓને ૧૦ દિવસના રિમાન્ડ નામદાર અદાલતે મંજૂર કર્યા હતા.
જ્યારે આ ગંભીર બનાવ અંગે ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ પરોક્ષ (આડકતરી) રીતે સ્વીકાર કર્યો છે કે, આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે, “આ ઝેરી દારૂ ક્યાંય બહારથી લાવવામાં નહોતો આવ્યો પરંતુ ભાવનગરમાં જ એનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું.
આમ દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઈથેનોલ અને એસેન્સ સહિતના કેમિકલ્સ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે આ રો-મટીરીયલ્સ બીજા સ્ટેટમાંથી લાવીને ભાવનગરમાં ડિલિવર કરવામાં આવ્યું હતું. વધુમાં જિલ્લા પોલીસવડા (SP) ચાવડાએ જણાવ્યું હતું કે, ‘નરેન્દ્ર નામના શખ્સે આ દારૂ બનાવ્યો હતો અને પોતે પણ તેનું સેવન કર્યું હતું, જેના કારણે તેનું પણ મૃત્યુ થયું હતું; અને તેનું પી.એમ મધ્ય પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઇશ છે, જેની મધ્યપ્રદેશથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આખરે અહીં મૂળ સવાલ એ છે કે બાર એસોસિએશન આરોપીઓનો કેસ લડે કે ના લડે પરંતુ મરનારા તો પાછા આવવાના નથી. સરકાર વોટ બેંક માટે મરનારાઓના પરિવારોને રોકડ સહાય કરશે, ફરી દારૂ વેચાશે અને ફરી આવી ઘટના એજ બતાવે છે કે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ પોલીસના પાપે આ ચક્ર4 ચાલતું જ રહેશે એ નિર્વિવાદ છે.





