નાગપુરમાં નીતિન ગડકરીના નિવેદનથી હલચલ વધી હવે વધારે કામ કરી શકતા નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જાેઈએ તેમના આ નિવેદન બાદ સવાલ ઊઠવા લાગ્યો કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. નાગપુરના કટોલમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે હવે તેઓ વધારે કામ કરી શકતા નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જાેઈએ. તેમના આ નિવેદન બાદ સવાલ ઊઠવા લાગ્યો કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે? જાેકે ગડકરીએ પોતાના નિવેદનમાં રાજકારણમાંથી નિવૃત્તિ કે મંત્રી પદ છોડવાની કોઈ સીધી જાહેરાત કરી નથી. તેમના નિવેદનનો સંદર્ભ સ્વાસ્થ્ય, ઉંમર અને નવી પેઢીને આગળ વધારવા સાથે જાેડાયેલો જાેવા મળે છે.
નાગપુરના કટોલમાં ‘એકલવ્ય એકલ વિદ્યાલય શિક્ષક-પર્યવેક્ષક તાલીમ વર્ગ’ કાર્યક્રમમાં સંબોધન કરતાં ગડકરીએ પોતાના લગભગ ૩૦ વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમણે જાહેર જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જાેયા છે અને ઘણા પુરસ્કારો પણ મેળવ્યા છે. ત્યારબાદ તેમણે કહ્યું કે હવે તેમણે વધારે કામ ન કરવું જાેઈએ અને નવી પેઢીને આગળ આવવાની તક આપવી જાેઈએ. તેમના આ નિવેદનને લઈને હવે રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
ગડકરીના નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેને તેમના ભવિષ્ય સાથે જાેડીને જાેવામાં આવી રહ્યું છે. જાેકે, તેમણે એવો કોઈ ખુલાસો કર્યો નથી કે તેઓ રાજકારણ છોડવા જઈ રહ્યા છે અથવા મંત્રી પદ પરથી હટવાના છે. તેમની વાતોમાં સ્વાસ્થ્યને લઈને પણ મહત્વનો મુદ્દો હતો. ગડકરીએ જણાવ્યું કે કોરોના મહામારી બાદ તેમણે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કર્યો અને હવે નિયમિત રીતે યોગ કરે છે. તેમણે કહ્યું કે જાે વ્યક્તિ સ્વસ્થ ન હોય તો સત્તા અને પદનો કોઈ ફાયદો નથી.
ગડકરીએ પોતાના જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે અગાઉ પક્ષ માટે કામ કરતી વખતે તેમની જીવનશૈલી ઘણી અલગ હતી. તેઓ ક્યારેક પણ સમોસા ખાઈ લેતા હતા અને ગમે ત્યાં સૂઈ જતા હતા, પરંતુ હવે તેમણે પોતાની દિનચર્યામાં ફેરફાર કર્યો છે. સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તેઓ નિયમિત યોગ કરે છે. તેમનું કહેવું હતું કે જાહેર જીવનમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ હવે નવી પેઢીને પણ જવાબદારી સંભાળવાની તક મળવી જાેઈએ.
ગડકરીએ પોતાના નિવેદનમાં ખેડૂતોની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ખેડૂતોની વધતી આત્મહત્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ પોતાના બાકી રહેલા સમયમાં ખેડૂતોના કલ્યાણ માટે વધુ કામ કરવા માગે છે. એટલે કે તેમના નિવેદનનો મોટો ભાગ રાજકારણ છોડવાને બદલે જવાબદારીઓ, સ્વાસ્થ્ય અને ખેડૂતો માટે કામ કરવા સાથે જાેડાયેલો જાેવા મળે છે.





