સૂરનો એક યુગ આથમી ગયો ગુજરાતી સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું ૮૭ વર્ષેની વયે નિધન ૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો હતો ગુજરાતી ફિલ્મ જગત અને સુગમ સંગીતના આકાશમાંથી એક તેજસ્વી સૂર ખોવાઈ ગયો છે. ગુજરાતના જાણીતા સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેઓ ૮૭ વર્ષના હતા. સંગીતકાર-ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી.ગૌરાંગ વ્યાસનું અવસાન માત્ર એક કલાકારની વિદાય નથી, પરંતુ ગુજરાતી સંગીતની એક એવી પેઢીની વિદાય છે, જેણે ગીતને માત્ર મનોરંજન નહીં, પરંતુ ગુજરાતની લાગણી, લોકસંસ્કૃતિ અને જીવન સાથે જાેડાયેલું માધ્યમ બનાવ્યું.૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો હતો. તેમના પિતા અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીત જગતનું અગ્રગણ્ય નામ હતા. ગૌરાંગ વ્યાસે માત્ર પાંચ વર્ષની ઉંમરે હાર્માેનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે તેમણે શરૂઆતમાં સંગીતને વ્યવસાય બનાવવાનો વિચાર કર્યાે નહોતો. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને મુંબઈની એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી પણ શરૂ કરી. પરંતુ અંતે સંગીતનો સૂર એટલો પ્રબળ બન્યો, સંગીતનું ખેંચાણ એટલું વધુ હતું કે નોકરી પાછળ રહી ગઈ અને જીવન સંગીતને સમર્પિત થઈ ગયું. ગૌરાંગ વ્યાસે ગુજરાતી ફિલ્મ સંગીતને અનેક યાદગાર રચનાઓ આપી. શરૂઆતમાં તેઓ પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે જાેડાયા હતા. ત્યારબાદ ‘લાખો ફૂલાણી’થી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની સફર શરૂ કરી. આગળ જતાં તેમણે ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. ‘ભવની ભવાઈ’, ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’, ‘મૈયર માંડું નથી લાગતું’ સહિતની ફિલ્મોમાં તેમના સંગીતની છાપ જાેવા મળે છે. ખાસ કરીને કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ (૧૯૮૧)નું સંગીત તેમના કારકિર્દીના નોંધપાત્ર શિખરોમાંનું એક રહ્યું. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા સન્માન સાથે તેમના સંગીતની પણ પ્રશંસા થઈ હતી. ગૌરાંગ વ્યાસની સંગીતયાત્રાની વિશેષતા એ પણ હતી કે તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં દેશના અનેક દિગ્ગજ ગાયકોના અવાજનો સુંદર ઉપયોગ કર્યાે.લતા મંગેશકરના કંઠે ગવાયેલું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ આજે પણ ગુજરાતી શ્રોતાઓના હૃદયમાં વસેલું છે. આ ગીતને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કર્યું હતું. તેમણે આશા ભોસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભુપિન્દર જેવા જાણીતા ગાયકો પાસેથી પણ ગુજરાતી ગીતો ગવડાવ્યાં. ‘લાખો ફૂલાણી’માં તેમણે કિશોર કુમારના અવાજનો પણ ઉપયોગ કર્યાે હતો અને આ જ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને પહેલી વખત તક આપી, ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયોપ’ જેવી રચના ગુજરાતી સંગીતપ્રેમીઓને આપી. ગૌરાંગ વ્યાસનું યોગદાન માત્ર ફિલ્મો સુધી સીમિત નહોતું. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં તેમણે ૫૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હોવાનું ગુજરાતી વિશ્વકોશ નોંધે છે. રાસ-ગરબા, ભજન, લોકસંગીત, નૃત્યનાટિકા અને ટેલિવિઝન માટે પણ તેમણે નોંધપાત્ર સંગીત આપ્યું. તેમના સંગીતમાં પરંપરા અને પ્રયોગશીલતાનો સુંદર સંગમ જાેવા મળતો.




