શ્રીમદ્ ભગવદ્ ગીતા..માનવતાનો વૈશ્વિક ગ્રંથ અને જીવન દર્શન
શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ચોક્કસ સંપ્રદાય કે હિંદુ ધર્મનો જ ગ્રંથ નથી પરંતુ તે સમગ્ર અખિલ માનવજાત માટેનો એક અમૂલ્ય વૈશ્વિક માર્ગદર્શક ગ્રંથ છે.મહાભારતના ભીષ્મપર્વના ૨૫ થી ૪૨ અધ્યાય સુધી વિસ્તરેલા ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એ માનવજીવનનું સૌથી ગહન તત્વજ્ઞાન રજૂ કરે છે.આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર ગીતામાં ક્યાંય ‘હિંદુ’
શબ્દનો ઉલ્લેખ નથી.આ બાબત જ એ સિદ્ધ કરવા માટે પૂરતી છે કે ગીતા સમય,દેશ,કાળ કે ધર્મની સીમાઓથી પર બનીને દરેક મનુષ્યને સાચો જીવનમાર્ગ બતાવે છે.વિદેશી ચિંતકોથી લઈને ભારતના મહાન મનીષીઓએ પણ ગીતાને માનવતાના બાઇબલ તરીકે બિરદાવી છે.ગીતા એ જ્ઞાનનો અખૂટ ભંડાર,ભક્તિનો સાગર અને અનાસક્ત કર્મનો મહાન પથદર્શક સ્ત્રોત છે.
કુરૂક્ષેત્રનું યુદ્ધ અને મનુષ્યનો આંતરિક સંઘર્ષ..
કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે બંને સેનાઓ આમને-સામને ઊભી હતી ત્યારે પોતાના જ સગાં- સંબંધીઓ,ગુરૂજનો અને સ્નેહીજનોને શસ્ત્ર સજ્જ જોઈને વિરહ અને મોહના લીધે અર્જુનનું હૃદય કંપવા લાગ્યું.તેનું ધનુષ્ય હાથમાંથી સરી પડ્યું અને તે હતાશા તથા દુવિધામાં ડૂબી ગયો,તે સમયે અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું કે “હું શું કરૂં અને શું ન કરૂં?”
અર્જુનની આ મનોસ્થિતિ માત્ર એક વ્યક્તિની નહોતી પરંતુ તે રાગ,દ્વેષ અને મોહ વચ્ચે ઝૂલતા દરેક સામાન્ય મનુષ્યની કથા છે.કુરૂક્ષેત્ર એ માત્ર એક ભૌગોલિક યુદ્ધભૂમિ નથી પરંતુ તે આપણી અંદર ચાલતા વિચારોનું પ્રતીક છે,જ્યાં રોજેરોજ શુભ અને અશુભ વિચારો વચ્ચે યુદ્ધ ખેલાતું હોય છે.જ્યારે પણ મનુષ્ય સંસારના મોહ,ભય અને ચિંતાથી ઘેરાઈને પોતાના કર્તવ્યથી વિમુખ થાય છે ત્યારે ભગવદ્
ગીતાનું આ જ્ઞાન જ તેને સાચા કર્તવ્ય તરફ વાળે છે.
આત્માની અમરતા અને વિવેક જ્ઞાન..
ગીતાના બીજા અધ્યાયથી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આત્મા અને શરીર વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજાવે છે.ગીતાનો મુખ્ય આધાર વિવેક પર ટકેલો છે.આપણું પંચમહાભૂત પૃથ્વી,જળ,અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું શરીર ક્ષણભંગુર અને અસ્થાયી છે.આત્મા અજન્મા,અમર અને અવિનાશી છે,તેને શસ્ત્રો કાપી શકતા નથી,અગ્નિ બાળી શકતી નથી,જળ ભીંજવી શકતું નથી અને વાયુ સૂકવી
શકતો નથી.
જ્યારે મનુષ્ય એ તત્વ સમજે છે કે મૃત્યુ એ માત્ર જૂના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો ધારણ કરવા જેવી સામાન્ય ક્રિયા છે,ત્યારે તેના મનમાંથી મૃત્યુનો ભય અને ચિંતા સદા માટે દૂર થઈ જાય છે.મનુષ્યે નાશવંત શરીરની આસક્તિ છોડીને અવિનાશી આત્માને ઓળખવાનો અને પોતાના કર્તવ્યનું પાલન કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
ગીતાના ત્રિવેણી સંગમ:કર્મ-ભક્તિ અને જ્ઞાન..
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે,જે માનવ કલ્યાણના ત્રણ મહાન માર્ગો દર્શાવે છે.
પ્રથમ છ અધ્યાયમાં કર્મયોગ છે.કર્મયોગનો મૂળ સિદ્ધાંત છે નિષ્કામ કર્મ.ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે મનુષ્યને માત્ર કર્મ કરવાનો અધિકાર છે,તેના ફળ પર ક્યારેય નહીં. જ્યારે વ્યક્તિ પરિણામની ચિંતા કર્યા વિના માત્ર બીજાના હિત અને પોતાના કર્તવ્ય માટે કાર્ય કરે છે ત્યારે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.સ્વાર્થ વગર કરાતું કર્મ જ સાચો યોગ છે.
મધ્યના છ અધ્યાય ભક્તિયોગ છે.ભક્તિ એ સંપૂર્ણ સમર્પણ અને પ્રેમનો માર્ગ છે.સમગ્ર જગતને ઈશ્વરનું જ વિરાટ સ્વરૂપ માનીને પ્રત્યેક જીવ પ્રત્યે દયા અને પ્રેમ રાખવો એ જ સાચી ભક્તિ છે. જે ભક્ત પોતાના મન,બુદ્ધિ અને શરીર સાથે પોતાને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દે છે તે ભગવાનને અત્યંત પ્રિય થાય છે.
અંતિમ છ અધ્યાય જ્ઞાનયોગ છે.જ્ઞાન એટલે કે સત્ય અને અસત્ય વચ્ચેનો વિવેક.સંસારમાં માત્ર એક પરમ તત્વ પરમાત્મા જ જાણવા યોગ્ય છે.જ્ઞાન દ્વારા મનુષ્ય સત્વ,રજ અને તમ જેવા ત્રણેય ગુણોથી પર થઈને ત્રિગુણાતીત બનીને મોક્ષ મેળવે છે.
ગીતાનો સાર અને જીવન વ્યવસ્થાપન..
ગીતાનો સાર મનુષ્યને ચિંતામુક્ત અને આનંદમય જીવન જીવવાની ચાવી આપે છે.ભગવાન શ્રીકૃષ્ણનો આ અમર સંદેશ માનવીના હૃદયને શાંતિ બક્ષે છે. તમે વ્યર્થ શા માટે ચિંતા કરો છો? કોનાથી ડરો છો? તમને કોણ મારી શકે તેમ છે? આત્મા અમર છે. ભૂતકાળમાં જે થયું તે સારૂં જ થયું હતું,વર્તમાનમાં જે થઈ રહ્યું છે તે પણ સારૂં જ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે પણ સારૂં જ થશે. ભૂતકાળનો પશ્ચાતાપ ન કરો અને ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનને સુધારો.
પરિવર્તન જ સંસારનો નિયમ છે.સંસારમાં કશું જ શાશ્વત નથી,આજે જે તમારૂં છે તે ગઈકાલે બીજા કોઈનું હતું અને આવતીકાલે અન્ય કોઈનું થઈ જશે.”મારૂં-તારૂં અને પોતાનું-પારકા ની ભાવના જ દુઃખનું મૂળ કારણ છે.
મનુષ્ય જન્મ સમયે કશું સાથે લાવ્યો નહોતો અને મૃત્યુ સમયે કશું સાથે લઈ જવાનો નથી. જે કંઈ મળ્યું તે અહીંથી જ મળ્યું છે અને જે આપવાનું છે તે અહીં જ આપીને જવાનું છે.
મનની સમતા અને પરમ શરણાગતિ..
ગીતામાં સમત્વ નો મહિમા ગાવામાં આવ્યો છે.સમત્વં યોગ ઉચ્યતે એટલે કે સુખ-દુઃખ,લાભ- હાનિ, જય-પરાજય કે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનની સ્થિરતા જાળવવી એ જ સાચો યોગ છે. જે વ્યક્તિ પરિસ્થિતિઓથી પ્રભાવિત થયા વગર સમાન ભાવ રાખે છે તે જ પરમાનંદનો અનુભવ કરી શકે છે.
ગીતાની પૂર્ણતા અને સૌથી શ્રેષ્ઠ મંત્ર ૧૮/૬૬માં શ્લોકમાં આવે છે.
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ
એટલે કે તમામ આશ્રયોનો ત્યાગ કરીને ફક્ત મારા શરણે આવી જા,હું તને તમામ પાપોમાંથી મુક્ત કરી દઈશ,તું સહેજ પણ શોક ન કર.આ શરણાગતિનો ભાવ જ મનુષ્યના જીવનને નિર્ભય અને શાંત બનાવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભારતીય સંસ્કૃતિની ‘પ્રસ્થાનત્રયી’ વેદ,ઉપનિષદ અને ગીતાનું પ્રમુખ અંગ છે,તેને સર્વ ઉપનિષદોનું અમૃત કહેવામાં આવે છે.વિશ્વમાં ગીતા જ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની છેલ્લા ૫૧૨૭ વર્ષ કરતાં પણ વધુ સમયથી ગીતા જયંતી તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.મહાત્મા ગાંધીજીએ ગીતાને પોતાની માતા સમાન ગણાવી હતી અને તેના પર ‘અનાસક્તિ યોગ’ નામે ભાષ્ય લખ્યું હતું.મુશ્કેલીના સમયે તેઓ હંમેશા ગીતા માતાના શરણે જતા હતા. સાતસો શ્લોકોવાળી ગીતા યુદ્ધના મેદાનમાં કેવી રીતે કહેવાઈ હશે? શાંતિથી એક શ્લોક ગાતાં માત્ર ૧૦ સેકન્ડ લાગે છે,આ હિસાબે ૭૦૦ શ્લોક બોલતા માત્ર ૨ કલાક થાય.યુદ્ધભૂમિ પર તો આ સંવાદ ગદ્યમાં રજૂ થયો હતો તેથી સમય અંગેની કોઈ શંકાને સ્થાન નથી.
ગીતાના દરેક અધ્યાયના અંતે આવતી પંક્તિને પુષ્પિકા કહેવામાં આવે છે,જે ગીતાને બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર તરીકે પ્રસ્થાપિત કરે છે.આજના તણાવપૂર્ણ,સ્પર્ધાત્મક અને અશાંત યુગમાં ગીતા એક ઉત્કૃષ્ટ લાઈફ મેનેજમેન્ટ-જીવન વ્યવસ્થાપનની માર્ગદર્શિકા તરીકે ઉપસી આવે છે,તે મનુષ્યને ભાગોડુ કે સંન્યાસી બનતા શીખવતી નથી પરંતુ પરિસ્થિતિઓ સામે સાહસપૂર્વક ઊભા રહીને પોતાના કર્તવ્યનું પાલન કરવાનું બળ આપે છે.ડિપ્રેશન,હતાશા અને નિર્ણયહીનતા જેવી સમસ્યાઓમાં ગીતાનો સંદેશ નવી ઊર્જાનો સંચાર કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ કાળના બંધનોથી પર એક એવો અમર જ્ઞાનપ્રવાહ છે,જે મનુષ્યને સંસારમાં રહીને પણ નિર્લેપ જીવન જીવવાનો માર્ગ બતાવે છે.ગીતા વિશે સાચું જ કહેવાયું છે કે Gita is not just the Bible of Hinduism But it is the Bible of Humanity. જ્યા સુધી માનવજાત રહેશે ત્યાં સુધી ગીતાનો આ અમર સંદેશ મનુષ્યને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જતો રહેશે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




