ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટનો ર્નિણય શિખર પર હવે માત્ર પાંચ મીટરની જ ધજા ચઢાવી શકાશે એવામાં તમામ પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ માત્ર ૫ મીટરની ધજા લાવે અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંબાજી માતાના દર્શન માટે ૧૬૦૦ થી વધુ નોંધાયેલા પદયાત્રા સંઘો ધજા સાથે અંબાજી પહોંચવાની તૈયારીમાં છે. આ ભવ્ય મેળા પહેલા, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે.
મંદિરના શિખર પર હવે માત્ર ૫ મીટર (લગભગ ૧૬.૪ ફૂટ) ની ધજા જ ચઢાવવામાં આવશે. એવામાં તમામ પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ માત્ર ૫ મીટરની ધજા લઈને જ અંબાજી આવે.
જાે કોઈ શ્રદ્ધાળુ ૫ મીટરથી લાંબી ધજા લઈને આવશે, તો તે ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં નહીં આવે. આવી ધજાને માતાજીના ચરણોમાં અર્પણ કરીને મંદિરમાં રાખવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં, મંદિર ટ્રસ્ટ દ્વારા ૫ મીટરની ધજા પૂરી પાડીને તેને ચઢાવવાની વ્યવસ્થા પણ કરાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ ર્નિણય મેળા દરમિયાન થનારી ભારે ભીડ અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભાદરવી પૂનમ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી શક્યતા હોવાથી, સુચારુ દર્શન વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે આ નિયમ અત્યંત મહત્વનો છે. ભક્તોને આ નિયમનું પાલન કરવા વિનંતી કરાઈ છે.




