(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયેલા મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી કે સ્વાયત્ત સંસ્થાના કર્મચારીના પેન્શન કેસ મા જો પેન્શનરે નોમિનેશન ફોર્મમાં અન્ય કોઈ વ્યક્તિનું નામ લખ્યું હોય અને પત્નીનું નામ બાકાત રાખ્યું હોય તો પણ કાયદેસરની પરણેલી પત્નીના સાસરાનો પરિવાર પેન્શન મેળવવાના અધિકારને છીનવી શકતો નથી.
આ કેસની વિગતો મુજબ, અરજદાર મહિલાના પતિ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇલેક્ટ્રિકલ વિભાગમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા અને 30 એપ્રિલ-2024 ના રોજ વયનિવૃત્ત થયા હતા. પતિ-પત્ની વચ્ચે કેટલાક પારિવારિક મતભેદો હોવા છતાં કાયદેસર રીતે છૂટાછેડા થયા ન હતા. અને લગ્નસંબંધ અકબંધ રહ્યો હતો. દરમિયાન, સેવાકાળ દરમિયાન પેન્શનરે એક સોગંદનામું રજૂ કરી પત્નીને નાણાકીય લાભો ન આપવા અને નોમિનેશન ફોર્મમાં પોતાના બે પુત્રોના નામ નોંધાવ્યા હતા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ પતિના અવસાન બાદ કોર્પોરેશને પત્નીને સાસરાના પરિવારે પેન્શન આપવાનો ઈનકાર કર્યો હતો, જેથી પત્ની એ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ન્યાયમૂર્તિ નિરલ આર. મહેતાની કોર્ટે ડિવિઝન બેંચના અગાઉના ચુકાદાને ટાંકતા અવલોકન કર્યું હતું કે પરિવાર પેન્શન કાયદાકીય જોગવાઈઓ દ્વારા સંચાલિત થાય છે. પેન્શન મેળવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે દાવેદાર (પેન્શનના હક્કદાર) મૃતક કર્મચારીના કાયદેસરના પત્ની કે પતિ છે કે નહીં અને પતિના અવસાન સમયે તેઓ હયાત હતા કે નહીં. જો આ શરતો સંતોષાતી હોય તો કોઈપણ ત્રાહિત વ્યક્તિનું નામ નોમિની તરીકે હોવા માત્રથી કાયદેસરના પત્નીના હક્કને નકારી શકાય નહીં.
નામદાર અદાલતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો છે કે આગામી ત્રણ મહિનાની અંદર અરજદાર પત્નીનું પરિવાર પેન્શન મંજૂર કરી શરૂ કરવામાં આવે અને ત્યાર પછીના બીજા ત્રણ મહિનામાં તમામ એરિયર્સ (બાકી નીકળતી રકમ) ની ચુકવણી કરવામાં આવે. હાઈકોર્ટના આ નિર્ણયથી પારિવારિક વિવાદોને કારણે પેન્શનથી વંચિત રહેતી અનેક મહિલાઓને મોટી રાહત મળશે.




