અમદાવાદ અને સુરતમાં નશાના સોદાગરોનો પર્દાફાશ કૂકીઝના પેકેટમાંથી ઝડપાયો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો આ પેસેન્જરે હાઇડ્રોપોનિક ગાંજાે બાળકોના ખાવાના કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના બોક્સમાં છૂપાવ્યો હતો
અમદાવાદના એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા મુંબઈના એક પેસેન્જરને હાઈડ્રોપોનિક ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સની મોડસ ઓપરેન્ડી એટલી ચાલાક હતી કે સામાન્ય માણસને ક્યારેય શંકા ન જાય. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને એરપોર્ટ પર આ પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને ચેકિંગ માટે અટકાવવામાં આવ્યો હતો. જ્યારે તેના સામાનની સઘન તલાશી લેવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પેસેન્જરે અત્યંત મોંઘો ગણાતો હાઇડ્રોપોનિક ગાંજાે બાળકોના ખાવાના કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના બોક્સમાં ખૂબ જ સિફતપૂર્વક છૂપાવ્યો હતો.
કસ્ટમ્સ વિભાગ દ્વારા આ પેકેટ અને બોક્સમાંથી કુલ ૫.૫ કિલો હાઇડ્રોપોનિક ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત સામાન્ય ગાંજા કરતા અનેક ગણી વધારે હોય છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક તે પેસેન્જરની ધરપકડ કરી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ નેટવર્ક પાછળ અન્ય કયા લોકો સંકળાયેલા છે, આ માલ ક્યાંથી આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો, તે તમામ મૂળિયાં સુધી પહોંચવા માટે કસ્ટમ્સ વિભાગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ જ સમયગાળા દરમિયાન, સુરત શહેરમાં પણ નશાના કારોબાર પર પોલીસની તવાઈ જાેવા મળી છે. સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. સુરત પોલીસ પણ આ શખ્સની પૂછપરછ કરી રહી છે કે તે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને સ્થાનિક સ્તરે તેનું નેટવર્ક કેવું છે. અમદાવાદ અને સુરતની આ બંને ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે નશાના વ્યાપારીઓ ભલે ગમે તેટલી નવી તરકીબો અપનાવે, સુરક્ષા એજન્સીઓની બાજ નજરથી તેઓ બચી શકતા નથી. ડ્રગ્સના આ દૂષણને ડામવા માટે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.




