કરોડોની થઇ કમાણી કચ્છ રણોત્સવનો વધતો ક્રેઝ, દેશ-વિદેશના લાખો પ્રવાસીએ લીધી મુલાકાત એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૧૦,૪૧,૬૯૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનું ઘરેણું ગણાતા કચ્છના રણ ઉત્સવમાં પ્રવાસીઓનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. કચ્છના સફેદ રણની સુંદરતા માણવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળ્યો છે.
આજે વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૧૦,૪૧,૬૯૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં પ્રવાસીઓની આ સંખ્યા સતત વધી રહી છે, જે કચ્છના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ હકારાત્મક સંકેત છે.
વર્ષ ૨૦૨૪ અને ૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૫ અને ૨૬ દરમિયાન રણોત્સવના પ્રવાસીઓમાં અંદાજે ૩.૯૪ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વધારો સાબિત કરે છે કે રણોત્સવ હવે માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એક અનિવાર્ય પ્રવાસન સ્થળ બની ગયું છે. રણ ઉત્સવની આ સફળતાનો સીધો લાભ સ્થાનિક નાના વેપારીઓ અને કારીગરોને મળી રહ્યો છે.
વર્ષ ૨૦૨૫ અને ૨૬ દરમિયાન રણોત્સવમાં લગાવવામાં આવેલા ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલ્સમાં કરોડોનો વેપાર થયો છે. જેમાં પ્રવાસીઓએ ખાણી-પીણીના સ્ટોલ પર ૨.૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સૌથી વધુ આકર્ષણ કચ્છની પ્રખ્યાત હસ્તકલાનું રહ્યું હતું, જેના કારણે ક્રાફ્ટ સ્ટોલધારકોને ૧૨.૧૧ કરોડ રૂપિયાની માતબર આવક થઈ હતી.
આમ, રણોતસ્વ દરમિયાન કુલ મળીને સ્ટોલધારકોએ ૧૪.૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ક્રાફ્ટ સ્ટોલની આટલી મોટી આવક સૂચવે છે કે પ્રવાસીઓ કચ્છની પરંપરાગત કળા, ભરતકામ અને સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદવામાં વધુ રસ દાખવી રહ્યા છે. આનાથી સેંકડો સ્થાનિક કલાકારોને આર્થિક ટેકો મળી રહ્યો છે અને તેમની કળાને વૈશ્વિક પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે. પ્રવાસન વિભાગના સુઆયોજિત પ્રયત્નો અને સુવિધાઓમાં કરવામાં આવેલા વધારાને કારણે રણોત્સવ આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રે નવા શિખરો સર કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.




