ગૃહમંત્રી અમિત શાહ આપશે લીલીઝંડી PM મોદી જન્મ દિવસ પર વડનગરથી વારાણસી સુધીની યોજાશે બાઈક રેલી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે
પીએમ મોદીના જન્મ દિવસ પર ગુજરાતમાં ખાસ આયોજન કરવામાં આવશે. જેમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે યુવા મોરચા દ્વારા વડનગરથી વારાણસી સુધી વિશાળ બાઈક રેલી યોજાશે. આ બાઈક રેલી ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઑક્ટોબર સુધી યોજાનાર છે. આ અંતર્ગત બે યાત્રાઓનું આયોજન કરાયું છે, જેમાં એક યાત્રા વડનગરથી વારાણસી અને બીજી યાત્રા વારાણસીથી વડનગર તરફ પ્રસ્થાન કરશે. આ યાત્રા બંને દિશામાંથી ૨૫૦ સેવા યાત્રીઓના ગ્રુપ અનુસાર કુલ ૧૦ ગ્રુપ સાથે નીકળશે.
વડનગર ખાતેથી યાત્રાના પ્રસ્થાન અને ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, જ્યારે કાશી ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ હાજરી આપશે. આ યાત્રામાં યુવા મોરચાના આશરે ૧૦૦૦ જેટલા કાર્યકરો જાેડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સેવા સંકલ્પ અભિયાનના સંકલ્પ સાથે તેમજ યુવાશક્તિને માર્ગ જાેડવાના અભિયાન અનુસાર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ વડનગર અને અમદાવાદના વિવિધ આયોજનોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ વડનગરથી વારાણસી બાઈક રેલીને પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીના દીર્ઘાયુની કામના સાથે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી જગન્નાથ મંદિરે આરતી કરશે. ત્યારબાદ કાંકરિયા ખાતે યોજાનાર સવા લાખ દીવડા પ્રગટાવવાના વિશેષ પ્રસંગે પણ તેઓ ખાસ હાજરી આપશે.
તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કાશીથી ગુજરાત માટે એક વિશેષ કાર્યક્રમની તૈયારીમાં છે. આ દરમિયાન માત્ર ઉત્તર પ્રદેશ સરકારના દિગ્ગજાે જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના મંત્રીઓ અને NDA ના પ્રમુખ સહયોગીઓ વારાણસીમાં હાજર રહેશે. આ પ્રસંગે ભાજપ તરફથી ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’ની શરૂઆત કરવામાં આવશે, જે કાશીથી વડનગર માટે રવાના થશે. ૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશીથી વડનગર માટે સેવા સંકલ્પ બાઈક યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જેમાં આશરે ૫૦૦ સેવા યાત્રીઓ જાેડાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક અને પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી સહિત અનેક દિગ્ગજાે હાજરી આપશે.
આ યાત્રાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લીલી ઝંડી બતાવશે. આ સિવાય દેશના સૌથી પ્રમુખ ધાર્મિક સ્થળ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પ્રધાનમંત્રીના જન્મદિવસે વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાબાનો જલાભિષેક, ડમરૂ વાદન અને પીએમના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના સામેલ છે.
પીએમ મોદીના જન્મદિવસ પર કાશીથી વડનગર માટે શરૂ થઈ રહેલી આ યાત્રામાં ૫૦૦ લોકો જાેડાશે. આ યાત્રા ૫૦ જિલ્લાઓ સુધી પહોંચશે, ૮૮ રાત્રિ રોકાણ થશે અને ૧૮૭ વિરામ સ્થળ રહેશે. આ ઉપરાંત, આ યાત્રામાં ૨૫ વર્ષની જનસેવાથી યુવાનોને જાેડવાનો સંકલ્પ નિર્ધારિત કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ યાત્રાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી થઈ રહી છે અને આ યાત્રાનું સમાપન વડનગરમાં થશે. ભાજપ તરફથી આ યાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જાેડાય તેવી શક્યતા છે.




